જુનાગઢ: અંતિમ નવાબ મહોબત ખાન જ્યારે ભારત છોડીને પાકિસ્તાન ગયા ત્યારે તેઓ ખૂબ મોટો ખજાનો છોડીને ગયા હતા. જે આજે પણ ભારત સરકારના કબજામાં છે. નવાબના સમયમાં બનેલા 24 રાજમહેલોનો કબજો આઝાદી બાદ ભારત સરકારે કર્યો હતો. જેમાં સોના-ચાંદી, હીરા-માણેકના અનેક કીમતી ઝવેરાત અને દાગીનાઓ આજે પણ સંગ્રહાલયમાં સુરક્ષિત જોવા મળે છે.
નવાબનો ખજાનો જુનાગઢમાં સુરક્ષિત: જુનાગઢના નવાબ મહોબતખાનજી જ્યારે આઝાદી બાદ ભારત છોડીને પાકિસ્તાન ગયા હતા. આ સમયે તેમના કાર્યકાળ દરમિયાન જુનાગઢ રાજયમાં બનેલા 24 જેટલા રાજમહેલોનો કબજો ભારતની સરકારે લીધો હતો. આ રાજમહેલોમાં કરોડોની કિંમતનો હીરા-મોતી, ચાંદી અને નીલમ, પોખરાજ સહિતનો કીમતી આભૂષણોનો જથ્થો ભારત સરકારને પ્રાપ્ત થયો હતો.
આ ખજાનો આજે પણ જુનાગઢના ઈતિહાસ સાથે મ્યુઝિયમમાં સુરક્ષિત રાખવામાં આવ્યો છે. નવાબ જેટલા શ્વાનપ્રેમી હતા. એટલા જ દાગીના અને હીરા-માણેકના શોખીન પણ હતા. જેથી તેમની પાસે ખૂબ મોટા પ્રમાણમાં જથ્થો સંગ્રહિત થયેલો હતો. જે આજે મ્યુઝિયમમાં તેમની યાદરૂપે સુરક્ષિત રાખવામાં આવ્યો છે.

સ્થાનિક ઝવેરીઓ દ્વારા કરાયો તૈયાર: જૂનાગઢના નવાબ સોના-ચાંદીના અને હીરા-માણેકના દાગીના એટલા શોખીન હતા કે, તેમણે તેમના ઉપયોગમાં લેવામાં આવતા તમામ દર દાગીના અને કીમતી ધાતુમાંથી બનાવવામાં આવતી ચીજ વસ્તુઓ વાંકાનેર, હૈદરાબાદ, અને જુનાગઢના સોનીઓ પાસેથી બનાવડાવી હતી. નવાબના પાકિસ્તાન ગયા પછી આભૂષણોનો આ ભવ્ય ખજાનો અત્યાર સુધી માત્ર બે જ વખત જાહેર પ્રદર્શનને મુકાયો હતો.

પ્રથમ વખત અમદાવાદની હોટેલ ગ્રાન્ટ ભગવતીમાં નવાબના ખજાનાને લોકો જોઈ શકે તે માટે પ્રદર્શન કરાયું હતું. ત્યારબાદ જુનાગઢમાં રાષ્ટ્રીય પર્વની ઉજવણીના ભાગરૂપે બહાઉદ્દીન કોલેજના સેન્ટ્રલ હોલમાં આ દાગીનાનો જથ્થો પ્રદર્શન માટે મૂકવામાં આવ્યો હતો. જેની આજના દિવસે કરોડોની કિંમતનું હોવાનું જાણવા મળે છે. આ બે પ્રસંગોને બાદ કરતા ક્યારેય પણ નવાબના આભૂષણો અને દર દાગીનાનો જથ્થો જાહેર પ્રદર્શન માટે મૂકવામાં આવ્યો નથી.

કુલ 45 જેટલા આભૂષણો અને કીમતી ચીજો: નવાબના સમયમાં જેને ખૂબ જ મૂલ્યવાન માનવામાં આવે છે. તેવી 45 જેટલી ચીજો કે, જેની બનાવટમાં સોનું-ચાંદી, હીરા-માણેક મોતી, નીલમ અને પોખરાજનો ઉપયોગ થયો છે. તેને સુરક્ષિત રાખવામાં આવ્યા છે. જેમાં હીરા પન્ના અને માણેકના બટનો, સોનાના હાર, સિગાર રાખવાનું સોનાનો કેસ, હીરા પન્નાના ઈયરિંગ, સોનાના પટ્ટા, પાન રાખવા માટે સોનાનું પાનદાન, ચાંદીનું પારણું, બાળકોને સુવડાવવા માટેના પલંગો, ચાંદીથી મઢેલા સોફા, ચાંદીની ગાગર, ઘડો અને હાંડો સાથે ચાંદીનું ઢોલક આ સિવાય બીજી અનેક ચીજ વસ્તુઓ છે કે, જેની બનાવટમાં હીરા, માણેક, મોતી, પોખરાજ, સોનુ અને નીલમ જેવા અતિ કીમતી રત્નોનો ઉપયોગ કરીને તેમાંથી નવાબના ઉપયોગમાં લેવામાં આવતી ચીજ વસ્તુઓ અને આભૂષણો બનાવવામાં આવ્યા હતા.
આ પણ વાંચો: