છોટાઉદેપુર: 26 માર્ચ એટલે વૃક્ષો પ્રત્યે પ્રેમ અને આત્મીયતા પ્રગટ કરવાનો દિવસ ગણી શકાય. આ વાત છે વર્ષ 1974 ની...26 મી માર્ચના રોજ મહુડાના વૃક્ષોને કાપતા બચાવવાં છોટાઉદેપુરના નાલેજ પીપલેજના જંગલોમાં આદિવાસી મહિલાઓ મહુડાના વૃક્ષોને બચાવવાં ચીપકીને ચિપકો આંદોલન કર્યું હતું.
'ચિપકો' આંદોલન નામ કેમ પડ્યું: આમ તો આ ચિપકો આંદોલન વર્ષ 1970માં સુંદરલાલ બહુગુણાની આગેવાનીમાં, તે વખતના ઉત્તરપ્રદેશ અને આજના ઉત્તરાખંડના જંગલોની સુરક્ષા માટે સ્થાનિક લોકો દ્વારા શરૂ કરવામાં આવ્યું હતું, પણ તેની અસર છોટાઉદેપુરમાં પણ થઇ હતી. સ્વર્ગીય હરિવલ્ભ પરીખ, પૂર્વ નાણાંમંત્રી સ્વર્ગીય સનત મહેતાની આગેવાનીમાં છોટાઉદેપુર પાસે આવેલા પીપલેજના જંગલમાં આદિવાસી લોકોએ વૃક્ષોને ગળે લગાવી દીધા હતા, કારણ કે કોઈ તેને કાપી ન શકે. આ આલિંગન પ્રકૃતિ અને મનુષ્ય વચ્ચે પ્રેમનું પ્રતિક બન્યું હતું, અને તેનું નામ 'ચિપકો' પડી ગયું હતું.
આ આંદોલનની આજના સમયમાં અસર: આ ચિપકો આંદોલનના ફળ સ્વરૂપે છોટાઉદેપુર જિલ્લાની ખડતલ ભૂમિ પર હજારોની સંખ્યામાં મહુડાના વૃક્ષો સચવાયેલા જોવા મળી રહ્યાં છે, અને તેમાંથી આદિવાસીઓ ખુબ સારી આવક મેળવી રહ્યાં છે, તો ચાલો જાણીયે આ આંદોલન વિશે જેઓ ચિપકો આંદોલનના તરજુભાઈ રાઠવા, ગણપતભાઈ વણકર સાક્ષી રહ્યાં છે.
કેમ થયું હતું ચિપકો આંદોલન?: મહુડાના ફૂલમાંથી દારૂ બને છે, તેમ કરી સરકારે મહુડાના વૃક્ષોને કાપી નાખવાનો પરવાનો આપી દેવાતા મહુડા ના ઝાડ કાપી નાખવામાં આવશે, તેવી શક્યતાઓને લઈને પૂર્વ નાણાંમંત્રી સ્વ સનત મહેતા, સ્વ હરિવલ્લભભાઈ પરીખની આગેવાનીમાં નાલેજના જંગલમાં મહુડાના ઝાડ ફરતે ચીપકીને આંદોલન કરવામાં આવ્યું હતું.

મહુડાના ઝાડની વહેંચણી: ગ્રામીણ વિસ્તારોમાં ગામની સીમમાં આવેલા મહુડાના ઝાડની સદીઓથી પહેલા દરેક કુટુંબને વહેંચણી કરવામાં આવી હતી, જે મહુડા પર આવતા ફૂલ અને ડોળીમાંથી આવક મેળવવાની સામાજિક વ્યવસ્થા કરવામાં આવી હતી.
મહુડાનું વૃક્ષના છેદન પર પ્રતિબંધ: મહુડાના વૃક્ષ કાપવું એ ગુન્હો બને છે. વૃક્ષછેદન ધારા હેઠળ, આ વૃક્ષ કાપવા પર પ્રતિબંધ મુકવાનો ધારો અમલમાં આવવાથી છોટાઉદેપુર જીલ્લામાં પુષ્કળ પ્રમાણમાં મહુડાના ઝાડ સચવાયેલા છે.

મહુડાનું વૃક્ષ આદિવાસીઓ માટે કલ્પવૃક્ષ: આદિવાસીઓ મહુડા પર માર્ચ મહિનામાં આવતા ફૂલને વીણીને એકત્રિત કરી તેનું વેચાણ કરી રોજગારી મેળવી રહ્યાં છે, તો ફૂલ આવ્યા બાદ ડોળીનું ફળ આવે છે, જે ડોળીમાંથી તેલ કાઢી ખાદ્ય તેલ તરીકે ખોરાકમાં ઉપયોગમાં લેવાય છે.
ચીપકો આંદોલન વિશે વાત કરતાં તરજુભાઈ રાઠવા Etv Bharat સાથે વાત કરતાં જણાવ્યું હતું, કે મહુડાના ઝાડ કાપી નાખવાનો પરવાનો આપી દેવાતા નાલેજના જંગલમાં 26 માર્ચના રોજ મહુડાના ઝાડને ચીપકીને ચિપકો આંદોલન કરવામાં આવ્યું હતું અને રેલી કાઢી DFO ને આવેદન પત્ર આપવમાં આવ્યું હતું, ત્યારથી મહુડાના વૃક્ષો સચવાયા છે અને આજે પણ ગામડામાં લોકો મહુડા, ડોળીમાંથી હજારો રૂપિયાની આવક મેળવી રહ્યા છે.
આ પણ વાંચો: