સુરતમાં વહુની દારૂ પાર્ટીથી કંટાળેલા સસરાએ હોટલમાં પોલીસની રેડ પડાવી, રૂમમાંથી 6 નબીરા ઝડપાયા
આ સમગ્ર ઘટના અંગે ડુમસ પોલીસે ગુજરાત નશાબંધી સુધારા વટહુકમ (2016)ની વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Published : August 4, 2025 at 3:30 PM IST
|Updated : August 4, 2025 at 4:36 PM IST
સુરત: સુરતમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જ્યાં એક સસરાએ પોતાની વહુ અને તેના મિત્રોની દારૂ પાર્ટીથી કંટાળીને સીધા પોલીસને ફોન કરીને રેડ પડાવી હતી. ડુમસ રોડ પર આવેલી એક જાણીતી હોટલના રૂમમાંથી 4 પુરુષ અને 2 મહિલા આર્ટિસ્ટ દારૂની મહેફિલ માણતા રંગેહાથ ઝડપાઈ ગયા હતા. આ તમામ પાસે દારૂ પીવાની કોઈ પરમિટ નહોતી. પોલીસે ઘટનાસ્થળેથી દારૂની બોટલ સહિત રૂ. 2.55 લાખથી વધુના 7 મોબાઈલ ફોન પણ જપ્ત કર્યા છે.
'મારી વહુ દારૂની પાર્ટી કરી રહી છે': સસરાનો અજાણ્યો કોલ
પોલીસ કંટ્રોલ રૂમમાં એક અજાણ્યો કોલ આવ્યો. કોલ કરનારે જણાવ્યું કે તેની પુત્રવધુ પોતાના મિત્રો સાથે ડુમસના 'વીકેન્ડ એડ્રેસ' હોટલના રૂમ નંબર 443માં દારૂની પાર્ટી કરી રહી છે. આ કોલ બીજું કોઈ નહીં, પણ દારૂ પાર્ટી કરતા એ જ આર્ટિસ્ટ વહુના સસરાનો હતો. તેમણે સ્પષ્ટપણે પોલીસને માહિતી આપી કે તેમની પુત્રવધુ મિત્રો સાથે દારૂની મહેફિલ માણી રહી છે. કોલ મળતાં જ ડુમસ પોલીસની પીસીઆર વાન તાત્કાલિક સ્થળ પર પહોંચી. રૂમ નંબર 443નો દરવાજો ખુલતાં જ પોલીસ પણ ચોંકી ગઈ. રૂમની અંદર 4 પુરુષ અને 2 મહિલા જમીન પર ગોળ કુંડાળું વળીને બેઠા હતા અને દારૂની પાર્ટી ચાલી રહી હતી. રૂમમાં દારૂની તીવ્ર ગંધ ફેલાયેલી હતી.
લાલચોળ આંખો અને નશાની હાલતમાં પકડાયેલા નબીરાઓ
પોલીસે સ્થળ પર હાજર તમામ લોકોની પૂછપરછ શરૂ કરી. પકડાયેલા પુરુષોમાં મિત વ્યાસ (ઉંમર 25), સંકલ્પ પટેલ (ઉંમર 24), લોક દેસાઈ (ઉંમર 23), અને સમકિત વિમાવાલા (ઉંમર 25)નો સમાવેશ થાય છે. આ તમામની આંખો લાલચોળ હતી અને તેઓ પોતાની શારીરિક સ્થિતિનું સંતુલન જાળવી શકતા નહોતા, તેમના મોઢામાંથી દારૂની તીવ્ર વાસ આવતી હતી. આમાંથી કોઈ પણ વ્યક્તિ પાસે દારૂ પીવા માટે જરૂરી પાસ-પરમિટ નહોતી.
પાર્ટીમાં હાજર બે મહિલાઓમાંથી એક 24 વર્ષની અને બીજી 25 વર્ષની હતી, જે બંને વ્યવસાયે આર્ટિસ્ટ છે. મહિલા પોલીસની હાજરીમાં તેમની તપાસ કરવામાં આવી, જેમાં તેમના મોઢામાંથી પણ દારૂની વાસ આવી હતી અને તેમની પાસે પણ કોઈ પાસ-પરમિટ નહોતી. આ બે મહિલાઓમાંથી એક એ જ હતી, જેના સસરાએ પોલીસને ફોન કરીને આખી ઘટનાની જાણ કરી હતી.
હોટલ મેનેજરે આપી સ્પષ્ટતા: 'રૂમ અમારો નહોતો'
'વીકેન્ડ એડ્રેસ' હોટલના મેનેજર ગૌતમ પટેલે આ મામલે સ્પષ્ટતા કરી છે તેમણે જણાવ્યું કે, હોટલમાં કુલ 464 રૂમ છે, જેમાંથી માત્ર 100 રૂમ હોટલની માલિકીના છે, જ્યારે બાકીના 364 રૂમ અલગ-અલગ માલિકોના છે. જે રૂમ નંબર 443માં આ દારૂની મહેફિલ ઝડપાઈ, તે રૂમ હોટલે નીલમ કેસાન નામના વ્યક્તિને વેચાણ દસ્તાવેજથી આપ્યો હતો. વધુમાં, નીલમ કેસાને આ રૂમ દર્શન નામના વ્યક્તિને ભાડે આપ્યો હતો, જેનો ભાડા કરાર એપ્રિલ મહિનામાં જ પૂરો થઈ ગયો હતો.
મેનેજરે જણાવ્યું કે, આરોપીઓએ હોટલની 'માઈગેટ' નામની એપ્લિકેશનમાં ખોટા ID અને પાસવર્ડ જનરેટ કરીને રૂમ નંબર 419 માટે રજિસ્ટ્રેશન કરાવ્યું હતું, પરંતુ તેઓ રોકાયા રૂમ નંબર 443માં હતા. આ રીતે તેમણે હોટલના નિયમોનો ભંગ કરીને રૂમમાં પ્રવેશ મેળવ્યો હતો. મેનેજરે પોલીસને સંપૂર્ણ સહકાર આપ્યો અને જણાવ્યું કે હોટલ પ્રશાસન આ પ્રવૃત્તિમાં કોઈ રીતે સામેલ નથી.
પોલીસે દારૂ અને મોબાઈલ ફોન જપ્ત કર્યા
પોલીસે રૂમની તલાશી લેતાં વિદેશી બનાવટની 750 MLની દારૂની બોટલ મળી, જેમાં આશરે 350 ML દારૂ ભરેલો હતો, જેની કિંમત રૂ. 1500 હતી. આ ઉપરાંત દારૂ ભરેલા અને ખાલી ગ્લાસ તેમજ કુલ 7 મોબાઈલ ફોન પણ મળ્યા, જેની કિંમત રૂ. 2,55,000 હતી. પોલીસે તમામ આરોપીઓનું રાત્રે મેડિકલ કરાવ્યું હતું. આ સમગ્ર ઘટના અંગે ડુમસ પોલીસે ગુજરાત નશાબંધી સુધારા વટહુકમ (2016)ની વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચોઃ

