કચ્છ: 22 એપ્રિલના કાશ્મીરના પહેલગામમાં પ્રવાસીઓ પર થયેલા આતંકી હુમલા બાદ ભારતે ઓપરેશન સિંદૂર હાથ ધાર્યું હતું. જેમાં સફળતા મળતા દેશમાં ઠેર ઠેર વીર જવાનોની શૌર્યગાથાના સન્માનમાં તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જેના ભાગરૂપે આજે ભુજમાં તિરંગા યાત્રા યોજાઈ હતી.
325 મીટર લાંબા તિરંગા સાથે તિરંગા યાત્રા: કાશ્મીરના પહેલગામમાં પ્રવાસીઓ પર થયેલા હુમલા બાદ ભારતના સુરક્ષા દળોએ પાકિસ્તાનના આતંકી ઠેકાણાઓ પર કરેલા સફળ ઓપરેશન સિંદૂરના સન્માનમાં આજે ભુજમાં તિરંગા યાત્રા નીકળી હતી.
આ તિરંગા યાત્રામાં 325 મીટર લાંબો તિરંગો પોલીસ, હોમગાર્ડના જવાનો, વિધાર્થીઓ, નાગરિક અને બીએસએફના જવાનોએ ઊંચકી રાખ્યો હતો. આ યાત્રામાં પોલીસ વિભાગના 250 જેટલા જવાનો અને હોમગાર્ડના 125 જેટલા જવાનો જોડાયા હતા. તો સાથે જ મહિલા પોલીસની સી ટીમ પણ જોડાઈ હતી.આ તિરંગા યાત્રામાં સુરક્ષા દળના જવાનો અને મોટી સંખ્યામાં શહેરીજનોએ પણ ભાગ લીધો હતો.
રાજકીય, સામાજિક આગેવાનો સાથે સ્થાનિકો પણ જોડાયા: ભુજના મુખ્ય સેન્ટર કહી શકાય એવા જ્યુબિલી સર્કલથી તિરંગા યાત્રા શરૂ થઈ હતી અને ત્યાંથી ભુજની શેઠ વી.ડી. હાઈસ્કૂલ અને એસટી બસ પોર્ટ થઈને હમીરસર તળાવ નજીક મહાત્મા ગાંધીજીની પ્રતિમા પાસે પૂર્ણ થઈ હતી.

આ તિરંગા યાત્રામાં કચ્છના સાંસદ વિનોદ ચાવડા સહિત કચ્છની છ એ છ વિધાનસભાના ધારાસભ્યો જોડાયા હતા. કચ્છ જિલ્લા ભાજપના પ્રમુખ દેવજીભાઈ વરચંદ અને કચ્છ જિલ્લા પંચાયતના પ્રમુખ જનકસિંહ જાડેજા પણ ઉપસ્થિત રહ્યા હતા.
દરેક નાગરિકના હાથમાં તિરંગો: સમગ્ર તિરંગા યાત્રા દરમિયાન પશ્ચિમ કચ્છ પોલીસવડા વિકાસ સુંડાના માર્ગદર્શન હેઠળ ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો હતો, કચ્છ જિલ્લાના શિક્ષણ અધિકારીઓ અને વિવિધ સામાજિક અને સ્વૈચ્છિક સંસ્થાઓના પ્રતિનિધિઓએ પણ ત્રિરંગા યાત્રામાં ભાગ લીધો હતો. આ તિરંગા યાત્રા દરમિયાન દરેક નાગરિકના હાથમાં તિરંગો લહેરાતો જોવા મળ્યો. માર્ગ પર દેશભક્તિના ગીતો ગુંજ્યા હતા અને વિવિધ સંસ્થાઓએ આ તિરંગા યાત્રા પર પુષ્પ વર્ષા કરીને તિરંગા યાત્રાનું સ્વાગત કર્યું હતું.
આ પણ વાંચો: