મોરબી: આજના સમયમાં નજીવી બાબતમાં હત્યા જેવી ઘટનાઓ અવારનવાર સામે આવતી રહે છે. ત્યારે એવી જ એક ઘટના મોરબી શહેરના ત્રાજપર વિસ્તારમાં ઓફિસની ગેલેરીમાં સુવાની ના પાડતા સારું નહિ લાગતા 2 શખ્સોએ વૃદ્ધને પકડી રાખી ત્રીજા શખ્સે આડેધડ છરીના ઘા ઝીંકી હત્યા કરી નાખી હોવાનું સામે આવ્યું છે. ત્યારે પોલીસે આ મામલે 3 આરોપીઓની ધરપકડ કરીને ઘટના સ્થળે લઈ જઈને ઘટનાનું રી-કન્સ્ટ્રક્શન કરાવ્યું હતું.
કોમ્પ્લેક્ષમાં સુવા બાબતે માથાકૂટ: મોરબીના સામાકાંઠે આનંદનગર હનુમાનજી મંદિર પાછળ રહેતા ગીરીરાજગીરી ઉર્ફે સંદીપગીરી જેઠીગીરી ગોસાઈએ (ઉ.વ.34) આરોપીઓ મુસ્તાક ઉર્ફે કાળો ઓસમાણ મિયાણા રહે ખીરઈ, જાકીર બચું સંધી અને ઇકબાલ હૈદર જેડા રહે બંને મોરબી એમ 3 આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવ્યું કે, ફરિયાદી ત્રાજપર ચોકડી પાસે આવેલા ભગવતી ચેમ્બર્સ ખાતે જય અમરનાથ રોડવેઝ નામે ભાડાની ઓફીસ ચલાવી ટ્રાન્સપોર્ટ કામકાજ કરે છે.
3 શખ્સોએ બોલાચાલી કરી: ફરિયાદમાં જણાવ્યા મુજબ ગત તા. 15ના રોજ રાત્રિના 8:30 વાગ્યે ઓફિસે હતા. ત્યારે મારા પિતા જમીને ઓફિસે આવતા હું જમવા ઘરે ગયો હતો. પિતા ઓફિસે હાજર હતા. 9:30 વાગ્યે ઓફિસે પાછો આવતા પિતાએ વાત કરી કે, 3 છોકરાઓ અહી આપણી ઓફીસની ગેલેરીમાં સુવા માટે આવતા તેને ના પાડી હતી. જેથી બોલાચાલી કરવા લાગ્યા હતા. ઓફિસની બાજુવાળા મોહનસિંહના દીકરા સંદીપસિંહ ઉર્ફે લાલાભાઈ તથા દેવેન્દ્રસિંહ દિલીપસિંહ અને નીચે ગેરેજવાળા દિલીપભાઈ ઓડેદરાને બોલાવ્યા હતા.
3 આરોપીઓને પોલીસે ઝડપી પાડ્યા: ફરિયાદમાં જણાવેલી વિગતો મુજબ મૃતકે ત્રણે આરોપીઓને પૂછ્યું કે, તેઓ અહીં શા માટે આવ્યા તો તેમણે કહ્યું કે, ઓફિસની બાજુમાં ગેલેરીમાં સુવું છે. જેથી સંદીપસિંહે નામ પૂછતાં મુસ્તાક મિયાણા, જાકીર સંધી અને ઇકબાલ જેડા હોવાનું જણાવ્યું હતું. ત્યારબાદ અહીં કેમ આવ્યા છો એમ પૂંછતા તેમણે મજૂરી કામ કરતા હોય અને 3થી 4 દિવસ કોમ્પેક્ષમાં સુવા આવતા હોવાનું કહ્યું હતું.
આધેડને છરીના ઘા ઝીંકાયા: મૃતક વૃદ્ધે 3 આરોપીઓને સમજાવીને મોકલી દિધા હતા. જે બાદ પોણા બાર વાગ્યે મૃતકનો પુત્ર ઘરે હાજર હોય તેને કોમ્પ્લેક્ષ નીચે ગેરેજવાળા દિલીપભાઈ ઓડેદરાએ ફોન કરીને જણાવ્યું કે, જલ્દી ઓફિસ આવો 3 છોકરાઓએ ઓફિસ ગેલેરીમાં સુવા બાબતે તમારા પિતાને છરીના ઘા મારી દિધા છે. જેથી ફરિયાદીના પિતા જેઠીગીરી ગોસાઈને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. 3 આરોપીઓએ ગેલેરીમાં સૂવા બાબતે ઝઘડો કરીને વૃદ્ધને છરીના આડેધડ ઘા ઝીંકી દઈને હત્યા કરી નાખી હતી. જે બાદ મોરબી સીટી બી પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાઈ હતી. જેની પોલીસ દ્વારા તપાસ કરાયા બાદ આરોપીઓની અટકાયત કરાઈ હતી.
આરોપીઓ પાસે રી- કન્સ્ટ્રક્શન કરાવ્યું: નજીવી બાબતે વૃદ્ધની હત્યા કરનાર ત્રણેય આરોપીને પોલીસે ગણતરીની કલાકોમાં ઝડપી લીધા હતા. આજે સાંજે આરોપી મુસ્તાક મિયાણા, જાકીર સંધી અને ઇકબાલ જેડાને ઘટનાસ્થળે લઇ જઈને ઘટનાનું રી-કન્સ્ટ્રકશન કરાવ્યું હતું. તેમજ ત્રણેય આરોપીને કોર્ટમાં રિમાન્ડની માંગણી સાથે રજુ કરવામાં આવશે. તેવી માહિતી પોલીસ પાસેથી પ્રાપ્ત થઇ છે.
આ પણ વાંચો: