તાપી: તમે એવું સાંભળ્યું છે કે કોઈ વ્યક્તિ જમવાનું ગુજરાતમાં બનાવે અને બે ચાર ડગલાં ચાલીને તે જમવાનું જમે મહારાષ્ટ્રમાં.... નવાઈની વાત લાગે છે ને ? આવું જ કંઈક નિત્યક્રમ એક વૃદ્ધા દરરોજ સવાર સાંજ કરે છે, શુ છે આ સંપૂર્ણ પરિસ્થિતિની હકીકત જાણીએ આ રિપોર્ટમાં...
આદિવાસી બહુલનું તાપી જિલ્લાના સોનગઢ તાલુકાનું બોર્ડર ગામ ગાઇસવાર અને મહારાષ્ટ્ર રાજ્યનું ખોકરવાળા ગામની સરહદ પર એક અનોખું ઘર છે, આ ઘરમાં આશરે 70 વર્ષના વૃદ્ધા મગનીબેન ગામીત વર્ષોથી રહે છે. આદિવાસી સમાજમાંથી આવતા મગનીબેનના પતિના મૃત્યુ બાદ તેઓ ઘણા વર્ષોથી એકલવાયું જીવન જીવે છે, તેમનું ઘર ગૌચર જમીનમાં આવેલું છે.
રસોડું ગુજરાતમાં અને ઓટલો મહારાષ્ટ્રમાં:
ગાયસવાર ગામના અગ્રણીઓ દ્વારા વૃદ્ધાને બધી પ્રકારની મદદ પુરી પાડવામાં આવે છે. તેમને ઘરમાં લાઈટ કનેક્શન પણ પૂરું પડવાના પ્રયત્નો થઈ ચૂક્યા છે, પરંતુ વૃદ્ધા તેમાં કોઈ કારણોસર અસહમતી બતાવી હતી. મગનીબેનના ઘરની વિશેષતા એ છે કે તેમનું અડધું ઘર ગુજરાતના ગાઇસવાર ગામમાં આવેલું છે, જ્યારે અડધું ઘર મહારાષ્ટ્રના ખોકરવાળા ગામમાં છે.

મગનીબેન પોતાના જ ઘરમાં ગુજરાતની હદમાં રસોઈ બનાવે છે, જ્યારે ઘરમાં લાઈટ ન હોવાને કારણે ઘરનો ઓટલો કે જે થોડા ડગલાં દૂર મહારાષ્ટ્ર રાજ્યમાં આવેલ છે ત્યાં બેસીને જમે છે, આ મગનીબેનનો નિત્યક્રમ છે.

જોકે સરકારી લાભો હોય કે પછી મતદાનની પ્રક્રિયા મગનીબેન ગુજરાત રાજ્યમાં પોતાના હકનો ઉપયોગ કરતા આવ્યા છે. તેમની આ વાત સાંભળી લોકોને કેટલીકવાર કુતુહલ જાગે છે, જે જોવા માટે પણ કેટલીકવાર લોકો આવતા હોય છે.

વર્ષોથી મગનીબેન ગુજરાતમાં મતદાન કરે છે:
ગામમાં એકલવાયું જીવન જીવતા મગનીબેન સાથે ગુજરાતના ગાઇસવાર ગામના લોકો તેમની પડખે છે અને આખું ગામ તેમનું પરિવાર બન્યું છે. મગનીબેનનું ઘર ગૌચરની જમીનમાં હોવાથી તેને પાકું બનાવી શકાતું નથી.

પરંતુ ગામના આગેવાનો દ્વારા તેમને ગુજરાત સરકારની તમામ યોજનાઓનો લાભ મળે તે માટેના પ્રયત્નો કરવામાં આવે છે. વર્ષોથી મગનીબેન ગુજરાતમાં મતદાન કરે છે અને લાભો પણ ગુજરાતના લે છે અને મગની બહેન વર્ષોથી તેમનો ઘર વેરો ગુજરાતમાં ભરે છે.

મગનીબેનો રમુજી જવાબ:
રમુજી અંદાજમાં મગનીબેને સ્થાનિક આદિવાસી બોલીમાં જણાવ્યું હતું કે, "મારું ઘર અડધું ગુજરાતમાં આવ્યું છે અને અડધું મહારાષ્ટ્રમાં. હું જમવાનું ગુજરાતમાં બનાવું છું અને જમું છું મહારાષ્ટ્રમાં. પરંતુ મતદાન ગુજરાતમાં કરું છું. હું અહીં એકલી રહું છે અને મને અહીં રહેતા 20 વર્ષ થયા છે."

આ પણ વાંચો: