જુનાગઢ: ધંધુસર ગામે 1 સદીથી ધૂળેટી પર્વ પર નીકળે છે "રા'ની અદ્ભુત સવારી"
જુનાગઢ જિલ્લાના ધંધુસર ગામમાં પણ આ જ રીતે પરંપરાગત ધૂળેટીની ઉજવણી થતી હોય છે. ગામની પરંપરા અનુસાર આજના દિવસે ગદર્ભ પર રા'ની સવારી નીકળે છે.

Published : March 14, 2025 at 4:02 PM IST
જુનાગઢ: ધૂળેટીનો તહેવાર અલગ અલગ પ્રાંત અને રાજ્યોમાં તેમની પરંપરા અનુસાર ઉજવાતો હોય છે. ત્યારે જુનાગઢ જિલ્લાના વંથલી તાલુકાના ધંધુસર ગામમાં પણ આ જ રીતે પરંપરાગત ધૂળેટીની ઉજવણી થતી હોય છે. ધંધુસર ગામમાં ધૂળેટીની ઉજવણી કલરની છોળો સાથે નહીં. પરંતુ અનોખી રીતે ગદર્ભ પર રા'ની સવારી કાઢીને પરંપરાગત રીતે ધૂળેટીની ઉજવણી કરવામાં આવે છે. ગામની પરંપરા અનુસાર આજના દિવસે ગદર્ભ પર રા'ની સવારી નીકળતા જ ગામની સુખ શાંતિને આસુરી શક્તિથી રક્ષણ મળે તે માટે વિશેષ શોભાયાત્રાનું આયોજન થતું હોય છે.
ધૂળેટીમાં નીકળી રા'ની સવારી: જૂનાગઢ જિલ્લાના વંથલી તાલુકાનું ધંધુસર ગામ પરંપરાગત રીતે ધૂળેટીની ઉજવણી કરે છે. એક તરફ સમગ્ર રાજ્યમાં કલરની છોળોની વચ્ચે નાચ-ગાન અને ડીજે પાર્ટી સાથે ધૂળેટીની ઉજવણી થતી હોય છે. બિલકુલ તેનાથી વિરુદ્ધ પ્રકારે ધંધુસર ગામમાં પરંપરાગત અને ધાર્મિક દ્રષ્ટિએ મહત્વના મનાતા પ્રસંગોનું આયોજન દ્વારા ઉજવણી કરીને ધૂળેટીની ઉજવણી કરવામાં આવે છે.
ધૂળેટીની અનોખી ઉજવણી: ધંધુસર ગામમાં ધુળેટીના દિવસે રા'ની સવારી કાઢીને અનોખી રીતે ગામ સમસ્ત ધુળેટી ઉજવતું હોય છે. ધૂળેટીના દિવસે ગદર્ભ પર જે પરિવારમાં બાળકનો જન્મ થયો હોય તેના પરિવારના કોઈ પણ સભ્ય ગદર્ભ પર સવારી કરીને એક રાજકુમારની માફક ગામમાં પરિભ્રમણ કરવા માટે નીકળે છે. આવી અનોખી રીતે ધૂળેટીની ઉજવણી ધંધુસર ગામ પાછલી એક સદી કરતા પણ વધારે સમયથી કરી રહ્યું છે.

ગદર્ભ પર રા'ની સવારી: કોઈપણ વ્યક્તિએ પોતાની મનોકામના માની હોય અને તે પૂર્ણ થાય આવા કિસ્સામાં પ્રત્યેક પરિવારના મોભી દ્વારા ધૂળેટીના દિવસે તેમની મનોકામના પૂર્ણ થવાની ખુશીમાં ગદર્ભ પર પોતે રા' બનીને સવારી કરતા હોય છે. જે ઘરમાં નાના બાળકનો જન્મ થયો હોય તે બાળકને તેના પરિવારજન ગદર્ભ પર બેસે છે. અહીં બાળકની સાથે પરિવારજનો વધામણા અને પોખણા થયા બાદ રા'ની સવારી સમગ્ર ગામમાં પરિભ્રમણ કરવા માટે નીકળી જાય છે. જેમાં ઠેકઠેકાણે ગામની મહિલાઓ દ્વારા રા' બનેલા પ્રત્યેક વ્યક્તિના પોખણા વધામણા અને તેને દાન પણ આપવામાં આવે છે. ગદર્ભ પર રા'ની સવારીનું વિશેષ મહત્વ એટલા માટે છે કે, ગામ સમસ્તની સાથે જે પરિવારમાં બાળકનો જન્મ થયો હોય તેના પર કોઈ પણ પ્રકારની આસુરી શક્તિ અસર ન કરી શકે તે માટે પણ ખાસ ગદર્ભને પસંદ કરીને તેના પર સવારી કાઢવામાં આવતી હોય છે.

મળેલ અનુદાનનો શું ઉપયોગ?: રા'ની સવારી સમગ્ર ગામ સમસ્તમાં ફરતી હોય છે અને પ્રત્યેક ઘરે જઈને રા'ના વધામણા પણ થતા હોય છે. ત્યારબાદ દરેક ઘરમાંથી કોઈ પણ વ્યક્તિ તેની શક્તિ અનુસાર રા'ને કેટલીક રકમ ભેટમાં આપતા હોય છે. ગામના તમામ ઘરોમાં આ પ્રકારે રાની સવારી ફરીને ત્યાંથી મેળવેલી ભેટની તમામ રકમ સમસ્ત ગામના વિકાસ માટે ગ્રામ પંચાયત ખર્ચ કરીને ગામમાં લોક સુવિધાઓ ઊભી કરવાનો પ્રયાસ પણ પાછલા ઘણા વર્ષોથી કરી રહ્યું છે. ધુળેટીના દિવસે ગદર્ભ પર નીકળનારી રા'ની સવારી સાંસ્કૃતિક અને પરંપરિક વારસાને આગળ તો ધપાવે છે. પરંતુ સાથે સાથે ગામના વિકાસમાં પ્રત્યેક વ્યક્તિ પોતાની આર્થિક શક્તિથી સહભાગી બને તે માટેનો પ્રયાસ પણ થતો હોય છે.

આ પણ વાંચો:

