નવસારી: ગણદેવી તાલુકાના એક ગામમા રહેતા 65 વર્ષના આધેડને આઠ વર્ષની બાળકી સાથે દુષ્કર્મ કરવાના કેસમાં કોર્ટે ૨૦ વર્ષની સખત સજાનો હુકમ કર્યો છે.
ત્રણ વર્ષ પહેલા બે સંતાનોના પિતા એવા ૬૫ વર્ષીય કાલીદાસ હિરાભાઇ કોળી પટેલ નામના શખ્સે ૮ વર્ષીય બાળકીને બોર આપવાની લાલચ આપી તેની સાથે શારીરિક અડપલા કર્યા હતાં. જેની ફરીયાદ ગણદેવી પોલીસ સ્ટેશનમાં નોંધાતા પોલીસે કાલીદાસ ઉર્ફે કાળીયાકાકાને જેલ ભેગો કર્યો હતો.

નવસારી કોર્ટે ફટકારી 20 વર્ષની સખત કેદની સજા
આ કેસ નવસારી એડીશનલ ડીસ્ટ્રીક્ટ એન્ડ સેશન્સ કોર્ટ (સ્પે. પોક્સો કોર્ટ) માં ચાલી જતા ભોગ બનનાર બાળકીના નિવેદન અને મેડીકલ પુરાવા તથા સરકારી વકીલ અજયકુમાર ટેલરની ધારદાર દલીલોને ગાહ્ય રાખી જજ તેજસ બ્રહ્મભટ્ટે આરોપી કાલીદાસ ઉર્ફે કાળીયા કોળી પટેલને દોષિત ઠેરવી ૨૦ વર્ષની સખત કેદની સજા તેમજ ૧૦ હજારનો દંડ ફટકારતો હુકમ કર્યો હતો.
માતાએ કહ્યું 'મારી દિકરીને ખરા અર્થમાં ન્યાય મળ્યો'
સમગ્ર કેસ બાબતે ભોગ બનનાર બાળકીની માતાએ જણાવ્યું હતું કે 'મારી બાળકીને બોરની લાલચ આપી દુશ્કર્મ આચારનાર આરોપીને કોર્ટે સખત સજા ફટકારી છે, જેથી ખરા અર્થમાં આજે મારી દીકરીને ન્યાય મળ્યો છે' કોર્ટે આપેલા મહત્વના ચુકાદાના કારણે ભારતીય સંવિધાન પર લોકોનો વિશ્વાસ અતૂટ થયો છે.