જુનાગઢ: જિલ્લાના વંથલી તાલુકાના નાના એવા ધંધુસર ગામની સાડા ચાર વર્ષની બાળકી સમીરા મૂળિયાશિયાની વિશેષ સિદ્ધિ બદલ ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં સ્થાન પામી છે. ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડની ટીમ દ્વારા સમીરાની વિશેષ સિધ્ધિ બદલ તેને પ્રમાણપત્ર અને મેડલ આપીને સન્માનિત કરી છે. 50 સેકન્ડ જેટલા સમયમાં અંગ્રેજી મૂળાક્ષર A થી લઈને Z સુધીના વિશ્વના દેશોના નામો બોલીને ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં સ્થાન બનાવ્યું છે. અગાઉ સાડા છ વર્ષના એક બાળકનો રેકોર્ડ આ જ પ્રમાણે હતો, પરંતુ વર્ષ 2025માં સમીરાએ તેને તોડીને સૌથી ઓછી ઉમરના સ્પર્ધક તરીકે ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં પોતાનું નામ નોંધાવીને સમગ્ર જુનાગઢ જિલ્લાને ગૌરવ અપાવ્યું છે.
મહેર સમાજની સૌથી યુવાન બાળકીને પ્રથમ એવોર્ડ: મહેર સમાજમાં સૌથી નાની ઉંમરની બાળકી તરીકે પણ સમીરાનું નામ નોંધાયું છે. અગાઉ આ જ પ્રમાણે કોઈપણ રેકોર્ડ બુકમાં મહેર સમાજની કોઈ બાળકીનું નામ નોંધાયું નથી, જેને લઈને પણ સમગ્ર મહેર સમાજમાં ખુશી પણ જોવા મળી રહી છે. માત્ર 8 દિવસની તાલીમ અને ત્યારબાદ ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડની ટીમ દ્વારા જે નિયમોને આધીન સમીરાની વિશેષ સિદ્ધિ નો વિડીયો તેના માતા પિતા દ્વારા તેમને સોંપવામાં આવ્યો હતો. એવોર્ડ આપવા માટે બનેલી ટીમના સભ્યોએ આ વિડીયો અને સમીરાની સિધ્ધિને બારીકાઈથી તપાસીને તેને સૌથી નાની વયે અંગ્રેજી મૂળાક્ષરોમાં A થી Z સુધીના વિશ્વના દેશોના નામ સૌથી ઓછા સમયમાં બોલવાની સિદ્ધિ મેળવવા બદલ ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં સ્થાન આપ્યું છે.
માતા પિતા અને પરિવાર પાસેથી મેળવ્યું જ્ઞાન: સાડા ચાર વર્ષની સમીરા મૂળિયાશિયા ધંધુસર ગામની આંગણવાડીમાં તાલીમ મેળવી રહી છે. આ સિવાય ઘરમાં તેના માતા-પિતા અને પરિવારના અન્ય સભ્યો દ્વારા સમીરાને આ પ્રકારે અંગ્રેજી ભાષાનું જ્ઞાન આપવામાં આવ્યું હતું. જે સમીરા એ સ્વીકારતા માત્ર આઠ જ દિવસની તૈયારી બાદ તેનું નામ ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં સામેલ થયું છે. આ સિવાય સમીરા હનુમાન ચાલીસા અને અન્ય કેટલાક ધર્મને લગતા ગીતો અને શ્લોક પણ બોલી શકે છે, તેની તાલીમ પણ તેના માતા-પિતા અને દાદા દાદી દ્વારા પરિવારમાં જ આપવામાં આવી છે.
આ પણ વાંચો: