જુનાગઢ: આજથી માધવપુરમાં કૃષ્ણ રુક્ષ્મણીના વિવાહનો પાંચ દિવસનો લોકમેળો શરૂ થવા જઈ રહ્યો છે. મેળામાં આવતા પ્રત્યેક શ્રદ્ધાળુઓની સુરક્ષા આરોગ્ય અને તમામ લોકોને ધ્યાને રાખીને જિલ્લા પ્રશાસન અને રાજ્ય સરકાર દ્વારા તમામ પ્રકારની વ્યવસ્થાને અંતિમ ઓપ આપવામાં આવ્યો છે. આવતી કાલે સાંજે મુખ્ય પ્રધાનની પ્રેરક ઉપસ્થિતિમાં દેશભરના 1200 કરતાં વધારે કલાકારોની હાજરીમાં મેળો શરૂ થવા જઈ રહ્યો છે.
હજારો વર્ષો જૂની પરંપરા: આજે સાંજે 6:00 વાગ્યા બાદ 5200 વર્ષ કરતાં પણ વધારે પૌરાણિક ભગવાન શ્રીકૃષ્ણ અને રૂક્ષ્મણીના વિવાહના પ્રસંગનો ભાતીગળ પાંચ દિવસનો લોકમેળો રાજ્યના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ દ્વારા ખુલ્લો મુકવામાં આવશે. પાછલા કેટલાક વર્ષથી માધવપુરના મેળાને રાષ્ટ્રીય મેળા તરીકે પણ રાજ્યની સરકાર મનાવી રહી છે, જેમાં આવતીકાલે ઉત્તર પૂર્વના રાજ્યોના 1500 કરતાં પણ વધારે કલાકારો પાંચ દિવસ સુધી માધવને પ્રિય એવા રંગરંગ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરીને મેળામાં આવેલા પ્રત્યેક વ્યક્તિને મનોરંજનની સાથે 5200 વર્ષ કરતાં પણ વધારે જૂની પરંપરામાં ફરી એક વખત ડોકિયું કરાવતા જોવા મળશે. ખૂબ મોટી સંખ્યામાં હાજર રહેતા અને મેળાને માણવા માટે આવેલા લોકો માટે ખાસ વ્યવસ્થા પૂર્ણ કરી દેવામાં આવી છે.

મેળામાં કરાઈ વ્યવસ્થા: માધવપુરના મેળામાં પાંચ દિવસ દરમિયાન લાખોની સંખ્યામાં ભાવિકો આવતા હોય છે, જેને ધ્યાને રાખીને પીવાનું પાણી આરોગ્ય વાહન પાર્કિંગ અને મેળામાં આવેલા પ્રત્યેક લોકો ખરીદી કરી શકે અને ભોજનનો સ્વાદ માણી શકે તે માટે ખાસ સ્ટોલ ઊભા કરવામાં આવ્યા છે, તો મેળામાં પહોંચવા માટે સૌરાષ્ટ્રના આસપાસના જિલ્લાઓ માંથી બસની વ્યવસ્થા પણ કરવામાં આવી છે.

સુરક્ષાની ખાસ તકેદારી: મેળામાં આવતા લાખોની સંખ્યામાં ભાવિકોને ધ્યાને રાખીને 1200 જેટલા સુરક્ષા કર્મીઓને મેળા દરમિયાન ફરજો આપવામાં આવી છે, જેમાં પોલીસ અને હોમગાર્ડના જવાનનો સમાવેશ કરવામાં આવ્યો છે. કોઈપણ પ્રવાસીને મુશ્કેલીના સમયમાં આનંદ નગરી ખાતે 24 કલાક પોલીસ નો કંટ્રોલ રૂમ પણ કાર્યરત કરવામાં આવશે. આ સિવાય રાજકોટ પોરબંદર જુનાગઢ ભાવનગર અને હિંમતનગરની 10 જેટલી ટીમો મેળામાં વેચાતા ખાદ્ય પદાર્થો પર નિરીક્ષણ રાખીને તેની તપાસ કરશે મેળામાં આવેલો કોઈ પણ વ્યક્તિ વાસી અને દૂષિત ખોરાક ખાઈને બીમાર ન પડે તે માટે 10 ટીમો 24 કલાક મેળાની અંદર સતત નિરીક્ષણ કરશે.

આરોગ્યની ખાસ તકેદારી: માધવપુરના મેળામાં આવતા પ્રત્યેક ભાવિકોને આકસ્મિક કે સામાન્ય સંજોગોમાં તબીબી સવલતો મળી રહે તે માટે સમગ્ર મહિલા પરિસરમાં ચાર મેડિકલ સારવાર કેન્દ્રો ઊભા કરાયા છે, જેમાં એક આઈસીયુ સાથેની અધતન એમ્બ્યુલન્સ ની સાથે માધવપુર સીએફસી ખાતે બેઇઝ હોસ્પિટલ ઉભી કરવામાં આવી છે. આ સિવાય મેળાની અંદર ચાર ટીમો સતત ફરતી જોવા મળશે જે કોઈ પણ ભાવિક ને મેળા દરમિયાન ઊભી થયેલી શારીરિક તકલીફોમાંથી સારવાર કરવામાં તેમને મદદરૂપ થાય આ સિવાય આકસ્મિક સંજોગોમાં લોહીની જરૂરિયાત ઊભી થાય તો પણ રક્ત સ્ટોરેજ યુનિટ પણ મેળાના પાંચ દિવસ દરમિયાન રાખવાની વ્યવસ્થા થઈ છે.
પીવાનું પાણી, પાર્કિંગની વ્યવસ્થા: મેળામાં આવતા ભાવિકોની સંખ્યાને ધ્યાને રાખીને પીવાનું પાણી અને વિનામૂલ્ય પાર્કિંગની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. પાણી પુરવઠા વિભાગ દ્વારા સમગ્ર મેળા પરિક્ષેત્રમાં 10 થી 12 જેટલા પાણીના સ્ટોલ લગાવીને તેમાં 20 લીટરના જગ મૂકવામાં આવશે, જેમાંથી લોકો પોતાની પાણીની જરૂરિયાત મેળાના સમય દરમિયાન પુરી કરી શકે, આ સિવાય ત્રણ પાર્કિંગ પોઇન્ટ પણ મેળાના પાંચ દિવસ દરમિયાન બનાવ્યા છે. જેમાં પોરબંદર તરફથી આવતા વાહનો માટે સરકારી હોસ્પિટલ સામેની જગ્યામાં વિનામૂલ્યે પાર્કિંગની વ્યવસ્થા થઈ છે. તેવી જ રીતે જુનાગઢ તરફથી આવતા તમામ વાહનો માટે મૂળ માધુપુરમાં સરકાર દ્વારા વિશાળ પાર્કિંગની વ્યવસ્થા કરવામાં આવી છે, જે ત્રણ પાર્કિંગ વ્યવસ્થા મેળાના દિવસો દરમિયાન પણ કરાય છે, તે બિલકુલ વિનામૂલ્યે ઊભી કરવામાં આવી છે. તો ઘેડ તરફથી જે લોકો માધવપુરના મેળામાં આવે છે. આ તમામ લોકો મધુવન સાહેબ નજીક પોતાના વાહન પાર્ક કરી શકે તેવી વ્યવસ્થા પણ કરાઈ છે.
240 જેટલી એસટી બસ: માધવપુરના મેળામાં સમગ્ર સૌરાષ્ટ્રમાંથી ખૂબ મોટી સંખ્યામાં ભાવિકો આવતા હોય છે. લોકોની સંખ્યાને ધ્યાને રાખીને 6 તારીખથી લઈને 10 તારીખ સુધી એસટી વિભાગ દ્વારા જુનાગઢ પોરબંદર અમરેલી સોમનાથ દ્વારકા રાજકોટ સહિતના જિલ્લાઓમાંથી અલગ અલગ 240 જેટલી બસોની વ્યવસ્થા પણ કરાય છે, જેને કારણે લોકો દૂરના જિલ્લામાંથી પણ મેળાના સમયે મેળામાં આવીને ભગવાન શ્રીકૃષ્ણ અને રૂક્ષ્મણીના વિવાહના પ્રસંગના સાક્ષી બની શકે તેવી વ્યવસ્થા પણ કરાય છે.
આ પણ વાંચો: