સુરતઃ લોકોને લાંબા સમયથી જાણે લાઈનમાં ઊભા રહેવાની આદત પડતી જાય છે. પહેલા નોટબંધીની લાઈનમાં રહ્યા, આધારની લાઈનમાં રહ્યા, કોરોનામાં હોસ્પિટલના બેડ ઓક્સીઝન માટે પણ લાઈનમાં રહ્યા, અરે મરણ પછી સ્મશાનમાં સ્વજનના મૃતદેહની અંતિમ વિધિ માટે પણ વેઈટિંગમાં રહ્યા, આવી તો ઘણી લાઈન લોકો જોઈ ચુક્યા છે પરંતુ હાલમાં સુરતમાં એવી લાઈન જોવા મળી રહી છે જે એક પિતા તરીકે એક માતા તરીકે તે લાઈનમાં ઊભા રહેવું તેનો ભાર લાગે તે સ્વાભાવીક છે. સુરત શહેરમાં સરકારી સ્કૂલોમાં એડમિશન મેળવવા માટે વાલીઓનો મોટો ધસારો જોવા મળી રહ્યો છે. ખાસ કરીને રત્નકલાકારો પોતાના બાળકોને પ્રાઇવેટ સ્કૂલોમાંથી કાઢીને સરકારી સ્કૂલોમાં દાખલ કરી રહ્યા છે. કારણ કે તેમના માથે પડેલું આર્થિક સંકટ તેમને બાળકની મોંઘી શિક્ષા પરવડે તેમ નથી.
નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની સ્કૂલોમાં ચાલી રહેલી પ્રવેશ પ્રક્રિયામાં વાલીઓ સવારે ચાર-પાંચ કલાક પહેલાંથી લાઈનમાં ઊભા રહે છે. માત્ર 500 સીટ માટે 5000 જેટલા વાલીઓ ફોર્મ ભરી રહ્યા છે. અમરોલી વિસ્તારની મહારાજા કૃષ્ણકુમારસિંહજી પ્રાથમિક સ્કૂલ નં. 334માં અડધો કિલોમીટર સુધીની લાંબી લાઈન જોવા મળી હતી.

વરાછા, અમરોલી, કતારગામ અને કાપોદ્રા વિસ્તારના રત્નકલાકારો માટે સરકારી સ્કૂલો વરદાન સાબિત થઈ છે. હીરા ઉદ્યોગની મંદીને કારણે આર્થિક રીતે પરેશાન રત્નકલાકારો પ્રાઇવેટ સ્કૂલ્સની ફી ભરી શકતા નથી. સરકારી સ્કૂલોમાં પ્રાઇવેટ સ્કૂલો કરતાં પણ વધુ સારું શિક્ષણ અને સુવિધાઓ મળી રહી છે.

રત્નકલાકાર બિપિનભાઈએ જણાવ્યું કે, હીરા ઉદ્યોગની ખરાબ પરિસ્થિતિને કારણે તેઓ પોતાના બંને બાળકોને પ્રાઇવેટ સ્કૂલમાં ભણાવી શકે તેમ નથી. સરકારી સ્કૂલોમાં પ્રાઇવેટ સ્કૂલો જેવી જ તમામ સુવિધાઓ અને ગુણવત્તાસભર શિક્ષણ મળી રહે છે.
મહારાજા કૃષ્ણકુમારસિંહજી પ્રાથમિક સ્કૂલ નં. 334ના આચાર્ય ચેતન હીરપરાએ જણાવ્યું હતું કે, પોતાના બાળકને સ્કૂલમાં એડમિશન મેળવવા માટે વકીલ, ડોક્ટર, એન્જિનિયર અને સરકારી નોકરી કરનારા લોકો આવી રહ્યા છે. અહીં કેમ્પસમાં ત્રણ સરકારી સ્કૂલ છે અને સંયુક્તપણે અહીં એડમિશનની પ્રક્રિયા હાથ ધરાય છે. વાલીઓનો સ્કૂલો પ્રત્યે જે વિશ્વાસ છે એ વધ્યો છે. આ જ કારણ છે કે પોતાના બાળકને સરકારી સ્કૂલોમાં એડમિશન અપાવવા માટે મોટી સંખ્યામાં વાલીઓ વહેલી સવારથી જ લાઈનમાં ઊભા થઈ જાય છે. અહીં સ્માર્ટ બોર્ડ અને ગ્રાઉન્ડ સહિતની તમામ સુવિધા છે. બાળકો ભવિષ્યમાં સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે પણ તૈયાર થાય એ માટેની પણ તૈયારીઓ સ્કૂલોમાં કરાવવામાં આવે છે.