કચ્છ : ભુજમાં સ્થિત જૂની જેલના કમ્પાઉન્ડમાં આગ લાગવાની ઘટના બની હતી. આગ એટલી ભયાનક હતી કે કિલોમીટરો દૂર સુધી તેના ધૂમાડાના ગોટે ગોટા જોઈ શકાયા હતા. વાહનોમાં આગ એટલી ઝડપી પ્રસરી ગઈ કે જોત જોતામાં મોટું સ્વરૂપ લઈ લીધું હતું. મંગળવારની બપોરે ગરમીના સમયમાં લાગેલી આ આગ કયા કારણે લાગી તે હાલ સચોટ રીતે સામે આવ્યું નથી, પરંતુ તેની આગામી તપાસ કાર્યવાહી દરમિયાન સત્યતા સામે આવશે. હાલ આ ઘટનામાં કોઈ જાનહાની ન થતા તમામે રાહતનો શ્વાસ લીધો છે.
ભુજની જૂની જેલમાં આગ લાગી : જિલ્લામથક ભુજમાં બી ડિવિઝન પોલીસ સ્ટેશન બાજુમાં આવેલ જુની જેલના કમ્પાઉન્ડ વિસ્તારમાં ભયંકર આગ લાગતા અફરાતફરી મચી હતી. ભુજના સરપટ નાકા પાસે આવેલી જૂની જેલના કમ્પાઉન્ડમાં કોઈ કારણોસર આગ લાગતા ભયજનક દ્રશ્યો સર્જાયા હતા. કમ્પાઉન્ડમાં પડેલા પોલીસ દ્વારા ડિટેઇન કરવામાં આવેલા વાહનો આગની ચપેટમાં આવી જતા અંદાજે 1500 જેટલાં વાહનો પૈકી 70 ટકા વાહનો સળગીને ખાક થઈ ગયા હતા. ઉપરાંત 214 લિટરના નવ ગેલન ડીઝલ એટલે બે હજાર લિટર ડીઝલ તેમજ ખાલી ગેસના બાટલા, વાયર જેવો જપ્ત મુદ્દામાલ હતો.
છેલ્લાં 15 દિવસથી કચ્છમાં આગ લાગવાના કિસ્સાઓ વધ્યા છે. ત્યારે બી ડિવિઝન પોલીસ સ્ટેશન નજીક ભયંકર આગની ઘટના ઘટી હતી. જુની જેલના કમ્પાઉન્ડમાં પોલીસ દ્વારા જપ્ત કરીને રાખવામાં આવેલા વાહનોની ટાંકીમાં પેટ્રોલ તથા ડીઝલ હોવાના કારણે આગ અને ગરમીના પગલે વાહનોમાં વિસ્ફોટ થયાની શકયતા પણ વ્યક્ત કરવામાં આવી છે. તો ઘટનાસ્થળે પોલીસ અને ફાયર બ્રિગેડ પહોંચી અને આગને કાબૂમાં લેવા માટે પ્રયત્નો કરવામાં આવ્યા હતા. ભયંકર આગ લાગતા 7 કિલોમીટર દૂર સુધી આગના ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા. ભયંકર આગ લાગતા લોકોમાં ભયનો માહોલ પણ સર્જાયો હતો. તો આગના બનાવમાં કોઈપણ પ્રકારની જાનહાનિ થઈ નથી. ફાયર વિભાગના 20 ફાયર ફાઇટરે 8 ગાડી ભરેલી 12,000 લિટર પાણીનો મારો ચલાવી આગ બુઝાવી હતી




