તાપી: ઢોલ, નગારા અને મંજીરાના તાલે પારંપરિક ઢબે નાચતે ગાજતે જતા આ લોકો કંઈ લગ્ન કે સગાઈ જેવા શુભ પ્રસંગમાં નથી જઇ રહ્યા. આ આદિવાસી સમાજના લોકો ગામમાં વર્ષો બાદ પાણી આવતા પાણીના વધામણા માટે જઈ રહ્યા છે.
આદિવાસી સમાજ દરેક શુભ પ્રસંગોને ખૂબ જ ઉત્સાહભેર ઉજવે છે, ત્યારે વર્ષો બાદ તેમના ગામની નદી, નાળા, તળાવ અને બોર કૂવામાં નવા નીર આવે તો તેમનો ઉત્સાહ બેવડાઈ જાય છે, આવુ જ કંઈક સોનગઢ તાલુકાના દક્ષિણ ભાગમાં આવેલા 20 થી વધુ ગામોમાં જોવા મળી રહ્યું છે.
આ ગામમાં આશરે ચાર દાયકા એટલે કે ચાલીસ વર્ષ બાદ નદી નાળાઓ, તળાવોમાં નવા નીર એપ્રિલ માસમાં જોવા મળ્યા છે. જેને પગલે તેમના બોર, કુવાના જળ સ્તર ઊંચા ગયા છે, અને તેમને પીવાના પાણી સહિત તેમના પશુઓ અને ખેતી માટે આગામી દિવસોમાં પાણી મળી રહેશે. વર્ષો બાદ તેઓ ઉનાળુ પાક કરશે તેવી આશા સાથે આ આદિવાસીઓ પોતાની આદિવાસી પરંપરા અનુસાર, ઢોલ, નગારા અને મંજીરાના તાલે નાચતે ગાજતે ગામમાંથી પસાર થઈને ગામની નદીમાં આવેલા નવા નીરના આદિવાસી પરંપરા મુજબ ફૂલ, કંકુ, ચોખા અને નારિયેળ સાથે વધામણાં કરવા નીકળી પડ્યા હતા.


છેલ્લા ચાલીસ એક વર્ષોથી માર્ચ-એપ્રિલ માસમાં આ ગામોમાં નદી, નળાઓ, તળાવો સુકાઈ જાય છે. તેથી આ વિસ્તારના લોકો ઉનાળુ પાક પાણીના અભાવે લઈ શકતા નથી. તેમને માંડ પીવાનું અને તેમના પાલતુ પશુઓ માટે પાણી આમ-તેમ દૂર દૂરથી લાવી ગુજરાન ચલાવવું પડતું હોય છે. જ્યાં સુધી વરસાદ ન પડે ત્યાં સુધી આ ગામોની પરિસ્થિતિ ઉનાળા દરમિયાન કફોડી બની જતી હતી.


ગામ અગ્રણીઓનું કહેવું છે કે, જો આગામી દિવસોમાં પાણી ન આવતે તો આગામી 4-5 વર્ષમાં અમારે ગામમાંથી ઉનાળાના ચાર પાંચ મહિના હિજરત કરવાનો વારો આવતો. પરંતુ ગામવાસીઓની અગવડતા અને રજૂઆતને ધ્યાનમાં રાખીને તંત્રએ 2019-20 માં આ વિસ્તારને હરિયાળો કરવાને માટે કરોડો રૂપિયાની યોજના મૂકી અને આજે ઉકાઈ ડેમમાંથી પાણી લિફ્ટ કરીને આ વિસ્તારના 54 ગામોને હરિયાળા કરવામાં આવશે. જે પૈકી 20 જેટલા ગામોને પાણી આપવાનું શરૂ કરી દેવામાં આવ્યું છે, જે તબક્કાવાર અન્ય ગામોને પણ અપાશે તેવું જવાબદાર અધિકારીનું કહેવું છે.


મુખ્યત્વે ખેતી, પશુપાલન પર નભતો તાપી જિલ્લાનો આ વિસ્તાર છેલ્લા ચાર દાયકાથી પાણીની વિકટ સમસ્યાનો સામનો કરી રહ્યો હતો, પરંતુ આ વિસ્તારના કેટલાક ગામોની ફરિયાદ સરકારના કાને પહોંચતા હાલ આ ગામોના નદી, નાળા, તળાવોમાં પાણી આપવાની શરૂઆત કરતા આ ગામોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે, અને તેઓ સરકારનો આભાર વ્યક્ત કરી રહ્યા છે.

આ પણ વાંચો: