તાપી: જિલ્લામાંથી એક ગંભીર અને ચિંતાજનક બનાવ સામે આવ્યો છે. વાલોડ તાલુકાના બુટવાડા ગામે વર્ષો જૂના મહુડાના વૃક્ષોનું ગેરકાયદેસર રીતે નિકંદન કરવામાં આવ્યું છે. વિશેષ વાત એ છે કે આ વૃક્ષો ગ્રામીણ વિસ્તારમાં પર્યાવરણ માટે મહત્વ ધરાવતા હોવા છતાં ગામની ગ્રામ પંચાયત દ્વારા જ ઠરાવ કરી આ મહુડાના વૃક્ષો પર કુહાડી ફેરવવામાં આવી હતી.
સહકારી આગેવાન અને સુરત ડિસ્ટ્રિક્ટ બેંકના માજી ચેરમેન નરેશ પટેલ દ્વારા સમગ્ર મામલે વન વિભાગને જાણ કરવામાં આવી હોવાના આક્ષેપ સાથે ટોળું નરેશ પટેલના ઘરે પહોંચ્યું હતું, જોકે અંતે સમજાવટ બાદ મામલો શાંત પડ્યો હતો.
સ્થાનિક સૂત્રોના જણાવ્યા મુજબ, વનવિભાગની કોઈપણ મંજૂરી વિના ચારથી વધુ જૂના વૃક્ષો કાપી નાખવામાં આવ્યા હતા. વન વિભાગને જાણ થતાં તંત્ર તરત હરકતમાં આવ્યું અને કાપવામાં આવેલા વૃક્ષોના લાકડાઓ કબ્જે કર્યા હતા, સાથે જ આગળની કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.

આ સમગ્ર મામલે રાત્રિના સમયગાળામાં ગામમાં તણાવપૂર્ણ વાતાવરણ સર્જાયું હતું. કેટલાક સ્થાનિક લોકો સહકારી આગેવાન નરેશ પટેલના નિવાસસ્થાને પહોંચી ગયા હતા અને ઉગ્ર પ્રતિક્રિયા વ્યક્ત કરી હતી. નરેશ પટેલ સુરત ડિસ્ટ્રિક્ટ બેંકના પૂર્વ ચેરમેન પણ રહી ચૂક્યા છે. આક્ષેપો મુજબ, નરેશ પટેલે જ વનવિભાગને આખા બનાવની જાણ કરી હતી, જેને કારણે ટોળું રોષે ભરાયું અને તેઓ તેમના ઘરે પહોંચીને વિરોધ નોંધાવ્યો હતો. જોકે, સમજાવટ બાદ સ્થિતિ શાંત થઈ ગઈ હતી.

ગ્રામીણ વિસ્તારમાં મહુડાના વૃક્ષનું ખૂબ જ મહત્વ રહેલું છે. ગ્રામીણ વિસ્તારના લોકો પણ તેમના ગામો હરિયાળા બની રહે તેવા પ્રયાસો કરતા હોય છે, ત્યારે બુટવાડા ગ્રામ પંચાયતના સત્તાધીશોને આ જૂના વૃક્ષો કાપવાની શું જરૂર પડી હશે ? વૃક્ષો કાપતા પહેલા કયા કારણોસર વન વિભાગની મંજૂરી ન લેવામાં આવી ? તેના પર પણ સવાલો થઈ રહ્યા છે.

આ બનાવના વીડિયો હવે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે, જેના પગલે મામલો વધુ ચર્ચાનો વિષય બન્યો છે. લોકો પ્રશાસન અને વનવિભાગ પાસેથી સખત કાર્યવાહીની માંગણી કરવામાં આવી રહી છે. હવે જોવાનું રહેશે કે વન વિભાગ આ મુદ્દે કયા પગલાં લે છે અને શું આગામી દિવસોમાં આવા પર્યાવરણ વિરોધી કાર્ય અટકાવવા માટે કોઈ ખાસ રણનીતિ તૈયાર કરવામાં આવે છે કે નહીં.

આ પણ વાંચો: