તાપી: તાપી જિલ્લાના છેવાડે આવેલ કુકરમુંડા પોલીસ મથક વિસ્તારમાં એક પોલીસ કર્મી દ્વારા એક આદિવાસી યુવકને નગ્ન કરી માર માર્યા અંગેનો કિસ્સો પ્રકાશમાં આવ્યો હતો, જેને પગલે આદિવાસી સમાજમાં તેના ઘેરા પ્રત્યાઘાત પડતા પોલીસના ઉચ્ચ અધિકારીઓ હરકતમાં આવી તપાસ હાથ ધરી હતી.
કુકરમુંડા પોલીસ મથકમાં ફરજ બજાવતા કર્મચારી દ્વારા આદિવાસી યુવકને નિર્વસ્ત્ર કરીને માર મારવાની ઘટના ગત 21મી જૂનના રોજ બની હોવાને લઈને પંથકમાં ચકચાર મચી જવા પામી હતી. આ અંગે આદિવાસી સમાજમાં કુકરમુંડા પોલીસ સામે વિરોધનો સુર ઉઠવા પામ્યો હતો અને કસૂરવાર પોલીસ કર્મી શબ્બીર આલમખાન બેલમ સામે કડક કાર્યવાહીની માંગ આદિવાસી આગેવાનોએ કરીને કુકરમુંડા મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું હતું. પોલીસે ઘટનાની ગંભીરતા સમજી તુરંત તપાસ કરતા ફરિયાદી યુવક અને પોલીસ તપાસમાં વિસંગતતા સામે આવી હોવાનું પોલીસ અધિકારીએ જણાવ્યું હતું.
ઉલ્લેખનીય છે આ બનાવને લઈને આદિવાસી સમાજમાં રોષ જોવા મળી રહ્યો છે, જેને લઈને વિવિધ આદિવાસી સંગઠનો પણ માંગ કરી રહ્યા છે કે પોલીસ કર્મી વિરુદ્ધ કડકમાં કડક પગલાં લેવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે. સાથે પોલીસ કર્મીને નોકરીમાંથી ઉતારી દેવામાં આવે તેવી પણ માંગ કરવામાં આવી રહી છે.

ફરિયાદી યુવકે જણાવ્યું હતું કે, હું એક દુકાન પર કાજુ-બદામ લેવા ગયો હતો અને ત્યાંથી બે-ત્રણ કાજુ બદામ હાથમાં લીધા હતા અને પછી દુકાનદાર સાથે બોલાચાલી થઈ હતી. ત્યાર બાદ હું રાત્રે દોસ્તાર સાથે બાર નીકળ્યો હતો. તે દરમિયાન વર્દી વગર બે પોલીસ કર્મીએ આવીને પૂછ્યું હતું કે, પવન કોણ છે? ત્યારે મેં કીધું કે હું છું. ત્યારે એમણે કીધું કે, તારા નામની અરજી આવી છે. અમારી સાથે ચાલ તો હું તેમની સાથે ગાડી પર બેસી ગયો અને તેઓ મને પોલીસ સ્ટેશન લઈ ગયા. પછી મને 1 થી 2 મિનિટ બેસાડી રાખ્યો અને પછી માર મારવા લાગ્યા અને છેલ્લે મને કપડા કાઢી દંડા વડે મારવામાં આવ્યો છે.

તો બીજી તરફ નાયબ પોલીસ અધિક્ષક ઈશ્વર પરમારે જણાવ્યું હતું કે, કુકરમુંડા પોલીસ સ્ટેશન વિસ્તારનો એક વીડિયો વાયરલ થયેલો છે. જેમાં એવો આક્ષેપ કરવામાં આવ્યો છે કે એક યુવાનને નિવસ્ત્ર કરી પોલીસ દ્વારા માર મારવામાં આવ્યો છે. જેની પ્રાથમિક તપાસ કરતા તેનાથી વિપરીત તથ્યો સામે આવેલા છે. જેમાં આ યુવાન વિરુદ્ધ 21 તારીખે 2 જુદી જુદી અરજીઓ મળેલી. એક એ જે દુકાનમાં નોકરી કરતો હતો એ ઘરની બાજુમાં હતું અને ત્યાં ગોડાઉનમાં તેણે બાકોરું પાડી તેમાંથી અનાજની ચોરી કરી તેવી દુકાનદારે એક અરજી આપેલી હતી. એ સિવાય તે યુવક બીજી એક દુકાનની અંદર જઈ તે કાજુ-બદામ લેવા જાય છે તેના પૈસા તે આપતો નથી. આથી દુકાનદાર સાથે થોડી ઝપા ઝપી થાય છે. આ આખો મામલો જે છે તે પોલીસ સ્ટેશન આવે છે અને જેની તપાસ કરનાર પોલીસ જ્યારે તેની પૂછપરછ કરતા હોય છે ત્યારે તેમણે પણ માર માર્યો છે, તેવું બતાવવા માટે યુવક ટીશર્ટ કાઢી નાખે છે અને સાથે તદ્દન નિવસ્ત્ર હાલતમાં થઈ જાય છે અને પોતે જીદ પકડે છે કે હું આજ હાલતની અંદર ઘરે જઇશ. આમ પોલીસ કાર્યવાહીમાં તેણે વિક્ષેપ ઉભો કરવાનો પ્રયાસ કરેલો પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે. હાલ આગળની તપાસ ચાલુ છે અને પોલીસે તેને કોઈ માર માર્યો હોય તેવા હાલ કોઈ પુરાવા મળેલા નથી.
આ પણ વાંચો: