સુરેન્દ્રનગર મનપા કચેરી બહાર બેસી ગઈ સ્થાનિક મહિલાઓ, પ્રાથમિક સુવિધા અંગે કરી ઉગ્ર રજૂઆત
સુરેન્દ્રનગરની શિવધારા સોસાયટીના સ્થાનિક મહિલાઓ પ્રાથમિક સુવિધાના અભાવ અંગે રજૂઆત કરવા મનપા કચેરીએ પહોંચ્યા હતા. જાણો સમગ્ર મામલો...

Published : March 10, 2025 at 5:24 PM IST
સુરેન્દ્રનગર : આજે સુરેન્દ્રનગર મહાનગરપાલિકા કચેરી ખાતે રતનપર વિસ્તારની શિવધારા સોસાયટીની સ્થાનિક મહિલાઓએ વિરોધ પ્રદર્શન કર્યું હતું. મહિલાઓ દ્વારા મહાનગરપાલિકાના મુખ્ય ગેટ સામે બેસી પ્રાથમિક સુવિધા મામલે સૂત્રોચ્ચાર કરી ઉગ્ર રજૂઆત કરાઈ હતી.
સુરેન્દ્રનગરમાં પ્રાથમિક સુવિધાઓના અભાવ ! સુરેન્દ્રનગરના શહેરી વિસ્તારમાં છેવાડાની સોસાયટીઓમાં અનેક વર્ષોથી પીવાના પાણી, રોડ-રસ્તા, સ્ટ્રીટ લાઈટ અને ભૂગર્ભ ગટર સહિતની પ્રાથમિક સુવિધાઓના અભાવ છે. જેના કારણે સ્થાનિક લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આ અંગે લોકો દ્વારા અનેક વખત પાલિકા કચેરીએ રજૂઆત કરવામાં આવી હતી હાલમાં જ સુરેન્દ્રનગરને મહાનગરપાલિકા જાહેર કરાતા સ્થાનિક લોકોલ મનપા કચેરીએ રજૂઆત કરવા દોડી આવ્યા હતા.
મહિલાઓએ કર્યું ઉગ્ર વિરોધ પ્રદર્શન : સુરેન્દ્રનગરના રતનપર વિસ્તારમાં આવેલ શિવધારા સોસાયટીમાં રોડ-રસ્તા, સ્ટ્રીટ લાઈટ અને ભૂગર્ભ ગટર સહિતની પ્રાથમિક સુવિધાનો અભાવ છે. આ અંગે છેલ્લા ચાર-પાંચ વર્ષથી અનેક વખત રજૂઆત કરવા છતાં તંત્ર દ્વારા કોઈ કામગીરી ન કરાતા સ્થાનિક મહિલાઓમાં રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે આજે સુરેન્દ્રનગર મહાનગરપાલિકા કચેરીએ રજૂઆત કરવા આવેલી મહિલાઓએ મુખ્ય ગેટ પાસે નીચે બેસીને વિરોધ વ્યક્ત કરી રોષ ઠાલવ્યો હતો.
મનપા તંત્રએ આપ્યું આશ્વાસન : સુરેન્દ્રનગર મહાનગરપાલિકા ડેપ્યુ. કમિશનર અર્જુન ચાવડાએ જણાવ્યું કે, હાલમાં તહેવાર નિમિત્તે મજૂરો રજા ઉપર હોવાથી ત્યારબાદ આ કામગીરી પૂર્ણ કરવામાં આવશે. આમ મહાનગરપાલિકા તંત્ર દ્વારા સામાન્ય આશ્વાસન આપવામાં આવ્યું હતું. જો તેઓની કામગીરી હોળી બાદ નહીં થાય તો આગામી સમયમાં સ્થાનિક મહિલાઓ ઉગ્ર આંદોલન કરશે તેવી ચીમકી ઉચ્ચારી છે.

