સુરત: ધામરોડ હાઈવે પર બે અલગ અલગ બનાવમાં અજાણ્યા વાહનોએ રાહદારી અને બાઇક ચાલકને અડફેટમાં લેતા બંનેના ઘટના સ્થળે મોત થયાના બનાવો સામે આવ્યા છે. આ ઘટનાને પગલે કોસંબા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. માહિતી માહિતી અનુસાર, ધામરોડ નેશનલ હાઇવે નંબર 48 પર બે અલગ અલગ હિટ એન્ડ રનની ઘટના બની હતી. આ ઘટનામાં રાહદારી અને બાઇક ચાલકનું ગંભીર ઈજાને પગલે ઘટના સ્થળે મોત થયું હતું.
પ્રાપ્ત માહિતી અનુસાર, કોસંબા પોલીસની હદમાં ધામરોડ ગામની સીમમાં મીના હોટલની સામે નેશનલ હાઇવે નંબર 48 ના મુંબઇથી અમદાવાદ ટ્રેક પરથી 27 વર્ષીય સુનિલભાઇ જયંતીભાઇ ભીલ પોતાની બાઇક લઈને પસાર થઇ રહ્યા હતા. જે દરમિયાન પુરપાટ આવી રહેલા અજાણ્યા વાહન ચાલકે સુનિલભાઈની બાઇકને અડફેટમાં લઇ અકસ્માત સર્જી ચાલક પોતાનું વાહન લઈને ફરાર થઈ ગયો હતો. આ અકસ્માતમાં બાઈક ચાલક સુનિલભાઈનું ગંભીર ઇજા સાથે ઘટના સ્થળે મોત થયું હતું.
અન્ય એક બનાવમાં 40 વર્ષીય મુની રમાકાંત ઉપાધ્યાય સદર હાઈવે અમદાવાદથી મુંબઈ તરફ જતો રોડ ક્રોસ કરી રહી હતી. આ દરમિયાન અજાણ્યા વાહન ચાલકે પોતાનું વાહન પુરઝડપે હંકારી, રસ્તો ક્રોસ કરી રહેલા મુની ઉપાધ્યાયને અડફેટમાં લઇ લીધી હતી, જોકે ઘટના બનતા જ ચાલક વાહન લઈને ફરાર થઈ ગયો હતો. મુની ઉપાધ્યાયને પણ શરીરના વિવિધ ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા તેમનું પણ ઘટના સ્થળે મોત નીપજ્યું હતું.
હાલ કોસંબા પોલીસે બંને અલગ અલગ હિટ એન્ડ રનની ઘટનામાં અજાણ્યા વાહન ચાલકો વિરૂદ્ધ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે.
કોસંબા પોલીસ મથકના પીઆઈ ડી.એલ. ખાચરે જણાવ્યું હતું કે, કોસંબા પોલીસની હદમાં નેશનલ હાઈવે 48 પર બે હિટ એન્ડ રનની ઘટના બની છે, જેમાં બે લોકોના મોત થયા છે. બન્ને કેસમાં અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
આ પણ વાંચો: