સુરત : ઉપર-નીચે પાંચસોના દરની અસલી નોટ વચ્ચે ચિલ્ડ્રન બેંકની 63,879 નોટ મૂકી 3.20 કરોડની રકમ હોવાનું તરકટ કરવા જતાં બે શકમંદોને લાલગેટ પોલીસે ડિટેઇન કર્યા હતા. અસલી નોટ વચ્ચે ચિલ્ડ્રન બેંકની નોટ મૂકવા પાછળ તેમનો ઈરાદો જાણવા તપાસ હાથ ધરાઈ છે.
સુરતમાં બન્યો અજીબ કિસ્સો : લાલગેટ પોલીસ ઇન્સ્પેક્ટર એન. એમ. ચૌધરી ટીમ સાથે મંગળવારે સાંજે સાડા છ વાગ્યાના અરસામાં રામપુરા જૂની અશક્તા કેન્ટીન પાસે રેઈડના ઈરાદે પહોંચ્યા હતા. અહીં DL10CT0714 નંબરની કારમાં બે શકમંદ પાસે મોટા પ્રમાણમાં રોકડની બાતમી મળી હતી. કારને ઘેરી અંદર બેઠેલા સુલેમ મો. આરીફ મંસૂરી (રહે. નુર એપા.હરિપુરા) અને અકરમઅલી અનવરઅલી શેખ (રહે. લામિયાં મસ્જિદ, રામપુરા)ને ડિટેઇન કર્યા હતા.
નકલી 3 કરોડની હેરાફેરી ! કારની તલાશી લેતાં તેમાંથી 500ના દરની ચલણી નોટોના ત્રણ પાર્સલ મળ્યા હતા. આ 3.20 કરોડથી વધુની રકમ હોવાનો અંદાજ હતો. જોકે આ બંડલ ખોલવામાં આવતા તેમાં ઉપર અને નીચે માત્ર 15 હજારની નોટ જ અસલી નોટ હતી. બંડલની વચ્ચે આબેહૂબ પાંચસોના નોટ જેવી દેખાતી ચિલ્ડ્રન બેંકની નોટ હતી. ચિલ્ડ્રન બેંકની 63,879 નોટ તથા ઉપર નીચે મૂકેલા 18 હજાર ઉપરાંત બીજા 38 હજાર કારના ડેસબોર્ડમાંથી મળી આવ્યા હતા.
પડદા પાછળની વાત : સુલેમ બે મહિનાથી તાડવાડીના જમીન દલાલ ઠાકોરભાઈના પરિચયમાં આવ્યો હતો. તેણે જ આ નોટ આપી હતી. પોતે એક પાર્ટી લાવશે ત્યારે આ રૂપિયા ઠાકોરભાઇના છે તેવું જ કહેવાનું. તે બદલ સુલેમને 30 હજાર રૂપિયા આપવાનું ઠેરવ્યું હતું. સુલેમ તેના ડ્રાઇવર મિત્ર અકરમ અલીને લઇ ગયો હતો. ઠાકોરભાઈ આ રૂપિયા કોને બતાવવાનો હતો અને તેની પાછળ શું ઇરાદો હતો તેની તપાસ ચાલુ છે.
બે આરોપી ઝડપાયા : PI એન. એમ. ચૌધરીએ વધુમાં જણાવ્યું કે, આ ગુનામાં બે લોકોની અટકાયત કરવામાં આવી છે. આ નોટો આવી રીતે લાવવા પાછળનો ઈરાદો જાણવા તેની શોધખોળ માટે પણ ટીમ રવાના કરી છે. હાલ અસલી અને ચિલ્ડ્રન બેંકની તમામ નોટો ચકાસણી માટે FSL માં મોકલવામાં આવી છે.