સુરત : દિન પ્રતિદિન સુરત જિલ્લામાં આપઘાતના બનાવો વધી રહ્યા છે. હાલમાં જ વધુ બે આપઘાતની ઘટના સામે આવી છે. સુરતમાં બે અલગ-અલગ વિસ્તારમાં બે મહિલાઓએ આપઘાત કર્યો છે. જેમાં બંને મહિલાનું દુઃખદ મોત થયું હતું.
સ્મીમેર હોસ્પિટલના મહિલા કર્મચારીએ કરી આત્મહત્યા
પ્રથમ બનાવમાં સ્મીમેર હોસ્પિટલમાં સફાઈ કર્મચારી તરીકે કામ કરતા 39 વર્ષીય હર્ષિતાબેન સોલંકીએ પુત્રની હાજરીમાં આત્મહત્યા કરી હતી. આ બાદ મહિલાને સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. જોકે, સારવાર દરમિયાન તેમણે દમ તોડ્યો હતો. વ્યાજખોરો દ્વારા માનસિક ત્રાસ આપવામાં આવતો હોવાની શક્યતા છે. હર્ષિતાબેને ચારથી પાંચ લાખ રૂપિયા ફાઇનાન્સરો પાસેથી લીધા હતા.
20 વર્ષીય પરિણીતાએ જીવન ટૂંકાવ્યું
બીજી ઘટનામાં, રાંદેર વિસ્તારના બાપુનગરમાં રહેતી 20 વર્ષીય નસરીન સમદે પોતાના જ ઘરમાં આત્મહત્યા કરી હતી. લગ્નના માત્ર છ મહિના બાદ જ તેણે આ પગલું ભર્યું હતું. નસરીનના પરિવારજનોએ સાસરિયાઓના ત્રાસને કારણે આપઘાત કર્યો હોવાનો આક્ષેપ કર્યો છે. તેના પતિ બુટ-ચપ્પલની દુકાનમાં કામ કરી પરિવારનું ગુજરાન ચલાવતા હતા.
બંને બનાવમાં કારણ અકબંધ : બંને કેસમાં પોલીસે તપાસ શરૂ કરી છે. ઉધના પોલીસ હર્ષિતાબેનના કેસમાં વ્યાજખોરોની સંડોવણી અંગે તપાસ કરી રહી છે. જ્યારે રાંદેર પોલીસ નસરીનના આપઘાત મામલે સાસરિયાઓની ભૂમિકાની તપાસ કરી રહી છે.
પોલીસ કાર્યવાહી અને તપાસ : ઉધના પોલીસ મથકના પોલીસ ઈન્સ્પેક્ટરે જણાવ્યું કે, ઉધના પોલીસની હદમાં હર્ષિતાબેન સોલંકી નામની 39 વર્ષીય મહિલાએ આપઘાત કરી લીધો છે. આપઘાત પાછળ ક્યાં કયા કારણો જવાબદાર છે એ દિશામાં અમારી ટીમ કામ કરી રહી છે. હાલ મૃતક મહિલાના પરિવારોના નિવેદન લેવામાં આવી રહ્યા છે. જે પણ કસૂરવાર હશે તેવો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે.