સુરત : સુરતમાં પિતા-પુત્રીના પવિત્ર સંબંધને લાંછન લગાડતો કિસ્સો સામે આવ્યો છે. કાપોદ્રા વિસ્તારમાં સાવકા પિતા અને 62 વર્ષીય વૃદ્ધ દ્વારા કરાઈ રહેલા યૌન શોષણને લઇને 12 વર્ષની સગીરાને ગર્ભ રહી ગયો હતો. આ મામલે કાપોદ્રા પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પોલીસે બંનેની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
સુરતના કાપોદ્રાનો કિસ્સો : કામરેજ વિસ્તારમાં રહેતી અને બે લગ્ન કરી ચૂકેલી 30 વર્ષીય યુવતી ત્રણ સંતાનો સાથે રહે છે. પ્રથમ પતિથી 12 વર્ષની પુત્રી અને નવ વર્ષનો પુત્ર છે. બીજા પતિથી છ વર્ષની પુત્રી છે. પ્રથમ પતિ સાથે 2013માં છૂટાછેડા લઈ મહિલા 2014માં સુરત શહેરના કાપોદ્રા વિસ્તારમાં રહેતા અને રિક્ષા ચલાવતા વ્યક્તિ સાથે લગ્ન વિના જ રહેતી હતી.
સાવકા પિતાની કરતૂત : પ્રેમી સાથે ખટરાગ થતાં મહિલા પ્રથમ પતિના બંને સંતાન અને પ્રેમી થકી જન્મેલી પુત્રીને લઇ ત્રણ વર્ષથી કામરેજ રહેવા આવી ગઈ હતી. આ દરમિયાન આરોપી પ્રેમી પોતાની પુત્રીને મળવા આવતો હતો. ત્રણેય સંતાનો તેને પપ્પા જ કહેતા હતા. આરોપી પોતાની પુત્રી ઉપરાંત આ મહિલાના પ્રથમ પતિ થકી જન્મેલા બંને બાળકોને પણ સાથે જ લઈ જતો અને બીજા દિવસે પરત મૂકી જતો હતો.
સગીરાને ગર્ભ રહી ગયો : ગતરોજ 12 વર્ષીય પુત્રીએ પેટમાં દુખાવાની ફરિયાદ કરતા મહિલા તેને નજીકની હોસ્પિટલમાં લઈ ગઈ હતી. સોનોગ્રાફી કરવામાં આવતાં 12 વર્ષીય બાળકીને સાડા છથી સાત મહિનાનો ગર્ભ હોવાનું સામે આવતા સૌ કોઈ ચોંકી ગયા હતા. સગીરાની પૂછપરછ કરતાં તેણે જણાવ્યું હતું કે, આરોપી તેને સુરતના કાપોદ્રા લઈ જતો હતો. બે નાના ભાઈ-બહેનોને દુકાન પર કશુંક લેવા મોકલી, તેની સાથે દુષ્કર્મ આચરતો હતા.
પીડિતાની આપવીતી : આ સિલસિલો છેલ્લા દોઢ વર્ષથી ચાલતો હતો. એટલું જ નહીં આરોપીની પાડોશમાં રહેતો 62 વર્ષીય આરોપી પણ સગીરા ઘર બહાર રમતી હોય ત્યારે ઘરમાં કોઈને કોઈ બહાને બોલાવી બળાત્કાર આચરતો હોવાનું જણાવ્યું હતું. ત્રણેક વખત તેણે પણ યૌન શોષણ કર્યું હોવાનું જણાવતાં માતાના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી.
બંને આરોપી ઝડપાયા : માતાએ પુત્રી પાસે સમગ્ર ઘટનાની પૂછપરછ કરી હતી. પુત્રીએ એના પર વિતેલી આપવીતી જણાવતા માતાની આંખો ભીની થઈ ગઈ હતી. પોતાની માત્ર 12 વર્ષીય પુત્રીને સાવકા પિતા અને તેના પાડોશમાં રહેતા વૃદ્ધે હવસનો શિકાર બનાવી ગર્ભવતી બનાવી જાનનું જોખમ ઊભું કરતા મહિલા સીધી જ કાપોદ્રા પોલીસ મથકે પહોંચી હતી. જ્યાં હવસખોરો વિરુદ્ધ ગુનો નોંધાવતા પોલીસે બંનેની ધરપકડ કરી અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
(દુષ્કર્મ અને શારીરિક શોષણના કિસ્સાઓમાં સુપ્રીમ કોર્ટના નિર્દેશો અનુસાર અહીંયા પીડિતની ઓળખ તેમની પ્રાઈવસીને ધ્યાનમાં રાખીને છુપાવવામાં આવી છે.)