સુરત: સુરતના ટીમલિયાવાડ સ્થિત જૈન ઉપાશ્રયમાં વડોદરાની શ્રાવિકા પર તાંત્રિક વિધિના નામે દુષ્કર્મ આચરવાના કેસમાં જૈન મુનિ શાંતિસાગરને સેશન્સ કોર્ટે દોષિત ઠેરવ્યા છે. એડિશનલ સેશન્સ જજે શાંતિસાગરને 10 વર્ષની જેલ અને રૂ. 25 હજારનો દંડ ફટકાર્યો છે.
2027માં જેલમાંથી મુક્ત થશે શાંતિસાગર
શાંતિસાગર ઓક્ટોબર 2017થી જેલમાં છે. સાડા સાત વર્ષથી જેલમાં હોવાથી હવે તેમણે અઢી વર્ષની સજા જ ભોગવવાની રહે છે. તેઓ ઓક્ટોબર 2027માં જેલમાંથી મુક્ત થશે. નોંધનીય છે કે, ઘટના સમયે પીડિતાની ઉંમર 19 વર્ષ અને આરોપીની ઉંમર 49 વર્ષ હતી.
32 સાક્ષીઓએ આપી જુબાની
કેસમાં સરકાર પક્ષે એ.પી.પી. રાજેશ ડોબરિયા અને પીડિતા તરફથી એડવોકેટ મુખત્યાર શેખે દલીલો કરી હતી. આરોપીને દોષી સાબિત કરવામાં પીડિતાની જુબાની, મેડિકલ પુરાવા અને 32 સાક્ષીઓના નિવેદનો મહત્વપૂર્ણ સાબિત થયા.
8 વર્ષની સુનાવણીમાં બે જજ બદલાયા
આઠ વર્ષના સમયગાળામાં બે જજ બદલાયા અને આરોપીએ સુપ્રીમ કોર્ટ સુધી જામીન માટે પ્રયાસ કર્યો, પરંતુ તેને જામીન મળ્યા નહીં. ટ્રાયલ દરમિયાન પીડિતાના પિતાનું અવસાન થયું હતું. સુનાવણી દરમિયાન પીડિતાને વેશ બદલીને આવવું પડતું હતું.
સરકારી વકીલ નયન સુખડવાલાએ આજીવન કેદની સજાની માગણી કરી હતી. તેમણે ગુરુના સ્થાનની મહત્તા સમજાવી હતી અને જણાવ્યું કે, આ કૃત્યથી પીડિતાને માનસિક અને શારીરિક નુકસાન થયું છે. સરકાર પક્ષે પીડિત સહાય યોજના હેઠળ વળતરની પણ માગણી કરી છે.
ઘટના 1 ઓક્ટોબર 2017ની છે, જ્યારે પીડિતા તેના પરિવાર સાથે જૈન દિગંબર મંદિરે આવી હતી. શાંતિસાગરે પીડિતાના પિતાને ફોન કરી બોલાવ્યા હતા અને પરિવારના અન્ય સભ્યોને અલગ રૂમમાં બેસાડી પીડિતા પર દુષ્કર્મ આચર્યું હતું. કોર્ટે IPC કલમ 376(1), 376(2)(F) અને 379 હેઠળ આરોપીને દોષિત જાહેર કર્યો છે.
આ પણ વાંચો:
બનાસકાંઠામાં વધુ એક દુઃખદ ઘટના, ખેતરમાં ઘાસચારો લેવા ગયેલા માતા-પુત્રી અને પાડોશીનું કરંટ લાગતા મોત
કુટેવો ભારે પડી: ગ્રામજનોની ફરિયાદ બાદ આચાર્યની ફરજ મોકૂફ, વાવમાં બદલી