સુરત: શહેરની પોલીસ વિભાગની મહિલા અધિકારીઓએ એક અનોખો અંદાજ દર્શાવ્યો છે. પાલનપુર પાટીયા તાડવાડી સ્થિત સંસ્કાર ભારતી વિદ્યાલય ઓડિટોરિયમમાં ગુરુ ધરમશી શાહની જન્મજયંતિ નિમિત્તે 'શિષ્યમાલા' કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
પ્રતિભા ડાન્સ એકેડેમી દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં ટ્રાફિક DCP અમિતા વાનાણી, સ્પેશિયલ બ્રાન્ચના DCP હેતલ પટેલ અને કતારગામના PI બીજુર ભટ્ટે નૃત્ય રજૂ કર્યું હતું. રોજ ખાખી વર્દીમાં જોવા મળતા આ અધિકારીઓને સોળે શણગાર સજેલી જોઈને દર્શકો આશ્ચર્યચકિત થઈ ગયા હતા.
DCP અમિતા વાનાણીએ જણાવ્યું કે, કળા વ્યક્તિના મગજને વધુ સક્રિય બનાવે છે. તેમના મતે કથ્થક માત્ર નૃત્ય નથી, પરંતુ તણાવ દૂર કરવાનો શાસ્ત્રીય માર્ગ છે. તેઓ આ કળાને પોલીસ વિભાગના કાર્યમાં પણ ઉપયોગી માને છે.

DCP હેતલ પટેલે ભાવવિભોર થઈને કહ્યું કે, તેઓ લગ્ન પછી પ્રથમવાર સોળ શણગાર સજીને સ્ટેજ પર આવ્યા છે. તેમના માટે ઝાંઝર ભાવ વ્યક્ત કરવાનું માધ્યમ છે અને આ કળા તેમને સંપૂર્ણ બનાવે છે.

કતારગામના PI બીજુર ભટ્ટે જણાવ્યું કે, 12 વર્ષ પછી સ્ટેજ પર પરફોર્મ કર્યું અને ખાસ વાત એ રહી કે 4 કિલો વજનના 120 ઘુંઘરુ બાંધી સ્ટેજ પર ટ્રેનના જુના અવાજોની છાયાં કૃતિ રજૂ કરી. મારા પિતા ઇચ્છતા હતા કે હું આ કળામાં આગળ વધું, તેઓ હવે નથી, પણ હું સ્ટેજ પર જ્યાં ઊભી રહી, ત્યાં તેમના આશીર્વાદ હતા. હું ધોરણ 4માં હતી ત્યારે કથ્થક શરૂ કર્યું હતું. આજે 40 વર્ષ થવા આવ્યા છે. મેં પોલેન્ડ, નેધરલેન્ડમાં પણ સ્ટેજ પર ગુજરાતી સાંસ્કૃતિક નૃત્ય રજૂ કર્યા છે.

આ કાર્યક્રમમાં ત્રણેય મહિલા અધિકારીઓએ પોતાના નૃત્ય દ્વારા ઉપસ્થિત દર્શકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા. આ કાર્યક્રમ દ્વારા પોલીસ અધિકારીઓએ સાબિત કર્યું કે તેઓ ફક્ત કાયદો અને વ્યવસ્થા જાળવવામાં જ નહીં, પરંતુ કળા ક્ષેત્રે પણ પારંગત છે.
આ પણ વાંચો: