સુરત : રીક્ષા ચાલક સાથે પેસેન્જરના સ્વાંગમાં ફરીને નજર ચૂકવી ઘરેણાં-રોકડની ચોરી કરતા ચાર રીઢા ગુનેગારોને ખટોદરા પોલીસે ઝડપી પાડ્યા છે. જેમાં ખટોદરા અને સલાબતપુરાના બે ગુનાનો ભેદ ઉકેલીને ચારેય પાસેથી રોકડ, દાગીના એમ કુલ રૂ. 2.81 લાખની મતા કબજે કરી છે.
રિક્ષામાં બેઠા અને સોનાની ચેઈન ગઈ : ખટોદરા પોલીસના જણાવ્યા મુજબ ભટાર રોડ વિદ્યાભારતી સ્કૂલ પાસેના મેઘમલ્હાર એપાર્ટમેન્ટમાં રહેતા 63 વર્ષીય રાજેન્દ્ર શંકરલાલ બુચ્ચા ગત 21 મે ના રોજ રીંગરોડ તરફ જવા રીક્ષામાં બેઠા હતા. તેમના ગળામાંથી કિંમત રૂ. 75 હજારની 15 ગ્રામ સોનાની ચેઈન પેસેન્જરોના સ્વાંગમાં બેઠેલા ગઠિયાઓએ નજર ચૂકવીને સોનાની ચેઇન તફડાવી લીધી હતી. અને રસ્તામાં ઉતારી દઇને રિક્ષાચાલક અને ગઠિયા ફરાર થઈ ગયા હતા.
રિક્ષામાં પેસેન્જર બની લૂંટતી ગેંગ : આ બનાવ અંગે ખટોદરા પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. તેમજ સલાબતપુરામાં અન્ય ગુનો નોંધાયો હતો. ઉપરોક્ત બનાવ અંગે PI આર. બી. રબારીની સુચના મુજબ સર્વેલન્સ સ્ટાફના મહાવીરસિંહ અને બાબાભાઈને મળેલી બાતમીના આધારે તપાસ હાથ ધરીને મગદલ્લા રોડ ઉપરની INS હોસ્પિટલ પાસેથી સફરૂદીન ઉર્ફે હાજી લંગડો અઝીઝ શેખ, શાકીર ઉર્ફે પોપટ મહેબુબ શેખ, ઇરફાન નિયાઝઅલી સૈયદ અને મહંમદ રફીક યુનુસ શેખને ઝડપી પાડ્યા હતા.
સોના-ચાંદીના દાગીના રીકવર : આરોપીઓ પાસેથી સોના-ચાંદીના દાગીના એમ કુલ રૂ.2,81,260નો મુદ્દામાલ રીકવર કરવામાં આવ્યો હતો. પકડાયેલા હાજી લંગડાની પૂછપરછ કરતાં ભટારના વૃદ્ધ રાજેન્દ્ર બુચ્ચાની સોનાની ચેન અને સલાબતપુરામાં વેપારીના ખીસ્સામાંથી રૂ. 30 હજારની ચોરી કરી હોવાની કબૂલાત કરી છે. તેમજ હાજી લંગડો 20 જેટલા અને ઈરફાન સૈયદ ચાર જેટલા ગુનામાં સંડોવાયેલ હોવાનું પોલીસે જણાવ્યું હતું.