સુરત: સુરતના ઇચ્છાપોર પોલીસ સ્ટેશનની સર્વેલન્સ સ્ક્વોડે છેલ્લા 6 વર્ષથી નાસતા ફરતા લૂંટના આરોપીને ઝડપી પાડ્યો છે. આરોપી સુભાષ નગરા કટારા (ઉંમર 32)ને ભરૂચના પાલેજ GIDC વિસ્તારમાંથી પકડવામાં આવ્યો છે.
આરોપી વિરુદ્ધ 2019માં ઇચ્છાપોર પોલીસ સ્ટેશનમાં લૂંટનો ગુનો નોંધાયો હતો. તેણે અન્ય આરોપીઓ સાથે મળીને ઇચ્છાપોરથી ભાઠા ગામ જતા અડાજણ રોડ પર ભંડારીવાડ પાસે ફરિયાદીને રોકી, માર મારી રૂ. 2.17 લાખની રોકડ અને દાગીનાની લૂંટ કરી હતી. પોલીસ ઇન્સપેક્ટર એ.સી. ગોહિલના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્કોડે ટેકનિકલ અને માનવીય બાતમીદારોની મદદથી આરોપીને પકડ્યો હતો. હાલમાં તે ભારત સિમેન્ટની ફેક્ટરીમાં મજૂરી કામ કરતો હતો. તેનું મૂળ વતન દાહોદના ગરબાડા તાલુકાનું વડવા ગામ છે.
આરોપી વિરુદ્ધ બાલાસિનોર, મહેસાણા તાલુકા, કડી, વડનગર, જેસાવાડા, વિસનગર ટાઉન, બાવલુ અને પીપલોદ પોલીસ સ્ટેશનમાં ચોરી, લૂંટ અને હુમલા સહિતના કુલ 9 ગુના નોંધાયેલા છે. આ ગુનાઓમાં તે વોન્ટેડ હતો.
ઇચ્છાપોર પોલીસ મથકના પોલીસ ઇન્સપેક્ટર એ.સી. ગોહિલએ જણાવ્યું હતું કે, આરોપીને પાલેજગામ જી.આઇ.ડી.સી ભરૂચ ખાતે ટેકનીકલ અને હ્યુમન સોર્સીસ આધારે બાતમીદારો ઉભા કરી ટેકનિકલ વર્ક આઉટમાં રહીને સિમેન્ટની ફેક્ટરીમાંથી ઝડપી પાડ્યો છે. હાલ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.આરોપીએ ફરાર દરમિયાન કોઈ ગુનાને અંજામ આપ્યો છે કે નથી તે દિશામાં પણ ઊંડાણપૂર્વક પૂછપરછ થઈ રહી છે.
આ પણ વાંચો: