સુરત: સુરતના અમરોલી-છાપરાભાઠા રોડના હિલ્ટન બિઝનેશ હબમાં દરોડા પાડી રીટેલ માર્કેટ અને ફ્લિપકાર્ટ ઉપર ઓનલાઈન પી એન્ડ જી પ્રા. લિ. કંપનીના ડુપ્લિકેટ હેડ એન્ડ શોલ્ડર્સ નામના શેમ્પુનું વેચાણ કરનારને પોલીસે ઝડપી લીધો છે. આ સાથે જ રૂ.16.36 લાખનો મુદ્દામાલ કબજે લઈને એક કામદારની સાથે કંપનીના બે માલિકની ધરપકડ કરી લીધી છે.
ઘટના અંગે અમરોલી પોલીસ સ્ટેશનના PI જે.બી વનારે જણાવ્યું હતું કે, શેમ્પૂ કંપનીના કર્મચારીએ અમરોલી પોલીસને આ રીતે ડુપ્લિકેટ શેમ્પૂ બનાવીને વેચાતું હોવાની બાતમી આપી હતી. આ બાતમીના આધારે છાપરાભાઠા રોડ સ્થિત હિલ્ટન બિઝનેશ હબના બીજા માળે ઓફિસ નં.223માં દરોડા પાડયા હતા. જ્યાથી જાણીતી પી એન્ડ જી (પ્રોક્ટર એન્ડ ગેમ્બલ) પ્રા. લિ. કંપનીની ડિલરશીપ ન હોવા છતા તેઓ ડુપ્લીકેટ હેડ એન્ડ શોલ્ડર્સ શેમ્પુનું વેચાણ કરતા હતા.

ભળતી કંપનીના શેમ્પુને હેડ એન્ડ શોલ્ડર્સ કંપનીના ઓફિશીયલ લોગો અને કંપની જેવા સ્ટીકર બનાવી બોટલમાં પેક કરી રીટેઇલ માર્કેટમાં અને ફ્લિપકાર્ટ નામની ઓનલાઈન શોપિંગ એપ્લિકેશન ઉપર વેચાણ કરતા હતા. જેથી પોલીસે કોપિરાઈટ એક્ટ અને ધી ટ્રેડમાર્ક એક્ટ હેઠળ ફરિયાદ નોંધી ભળતી કંપનીના શેમ્પુનો જથ્થો, ઓફિશિયલ લોગો સહિતના બોગસ સ્ટીકર વિગેરે મળી કુલ રૂ.19.36 લાખનો મુદ્દામાલ કબજે લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

પોલીસે હિતેશ ધીરૂભાઈ શેઠની ધરપકડ કરી હતી. હિતેશની પૂછપરછમાં પોતે નોકરી કરે છે અને માલિક ડેનિશ વિરાણી અને જેમીલ ગાબાણી હોવાનું જણાવ્યું હતું. જેથી પોલીસ બંને ભાગીદારને વોન્ટેડ જાહેર કર્યા અને બાદમાં તેમની ધરપકડ કરી લેવામાં આવી હતી.
આ પણ વાંચો: