સુરત: સુરત શહેરમાં બાળમજૂરીનું એક મોટું રેકેટ પકડાયું છે. રાજસ્થાનના ઉદેપુર જિલ્લાના અંતરિયાળ વિસ્તારમાંથી લવાયેલા બાળકો પાસે સાડીના કારખાનામાં મજૂરી કરાવવામાં આવતી હતી. પુણાની બિલનાથ સોસાયટીમાં આવેલા કારખાનામાં 7થી 17 વર્ષની વયના કુલ 5 બાળકો પાસે કામ કરાવવામાં આવતું હતું.
બાળકો પાસે રોજ 17 કલાક કામ કરાવાતું
આ બાળકોને સવારના 5 વાગ્યાથી રાત્રે 10 વાગ્યા સુધી કામ કરવું પડતું હતું. 17 કલાકના કામના બદલામાં માત્ર 200 રૂપિયા રોજનું વેતન આપવામાં આવતું હતું. બપોરે માત્ર એક કલાકની રિસેસ મળતી હતી. કામમાં આળસ કરે કે મોડા ઊઠે તો માર મારવામાં આવતો હતો.
શેઠના ત્રાસથી કંટાળેલા બે બાળકોએ પોલીસને ફરિયાદ કરી
શેઠના ત્રાસથી કંટાળીને બે બાળકો ભાગીને ગોડાદરા પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. અને સમગ્ર બાબતની ફરિયાદ પોલીસને કરી હતી. પોલીસે હાલમાં આ બાળકોને કતારગામના ચાઇલ્ડ વેલ્ફેર સેન્ટરમાં મોકલ્યા હતા. મહિલા સેલના એસીપી મિની જોસેફે બાળકોની પૂછપરછ કરી હતી. બાળકોએ જણાવ્યું કે, વધુ ત્રણ બાળકો કારખાનામાં કેદ છે.
પોલીસે 5 સગીરોને મુક્ત કરાવ્યા
પોલીસે ત્રણ ટીમો બનાવી બે દિવસ સુધી બાળકો સાથે પગપાળા ફરીને કારખાનું શોધ્યું હતું. 19 એપ્રિલે પુણા સીતારામ સોસાયટી પાછળ આવેલા કારખાનામાંથી એક 7 વર્ષનું બાળક અને બે 17 વર્ષના સગીરોને મુક્ત કરાવવામાં આવ્યા હતા. આ બાળકો અનેક મહિનાથી કારખાનામાં કેદ હતા. પોલીસે કારખાનામાંથી આરોપી પ્રકાશ ભુરીયા સહિત બે લોકોની ધરપકડ કરી લીધી છે.
ઉલ્લેખનીય છે કે 14 વર્ષથી નીચેના બાળકોને કોઈપણ પ્રકારના કામે રાખવા પર અને 14 વર્ષથી મોટા અને 18 વર્ષથી નાના તરુણોને જોખમી વ્યવસાય કે પ્રક્રિયામાં કામે રાખવા પર પ્રતિબંધ છે. આ ગુના બદલ માલિકને રૂ. 20000 થી 50000 નો દંડ અથવા 6 મહિનાથી 2 વર્ષ સુધીની જેલ થઈ શકે છે.
આ પણ વાંચો: