સુરત : તાજેતરમાં સુરતની અનભ જેમ્સના 118 રત્નકલાકારોને પાણી પીતા ઝેરની અસર થતા હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. જોકે, આ મામલે બાદમાં ખુલાસો થયો કે પાણીમાં ઝેર કોઈએ નાખ્યું હતું. આથી હત્યાના પ્રયાસનો ગુનો દાખલ થયો હતો. હાલમાં જ આ કાંડ પાછળનો શખ્સ ઝડપાઈ ગયો છે.
118 જીવ સાથે ખેલ કરનાર કોણ ? સુરતની અનભ જેમ્સમાં 118 રત્નકલાકારોની સામૂહિક હત્યાનો પ્રયાસ કરનાર આરોપી નિકુંજ હિતેષભાઈ દેવમુરારીની પોલીસે ધરપકડ કરી છે. આરોપી નિકુંજ કંપનીમાં એડમિનિસ્ટ્રેશન વિભાગમાં આસિસ્ટન્ટ મેનેજર તરીકે કાર્યરત હતો અને તેના મામા કંપનીમાં મેનેજર છે.
આરોપીએ શા માટે કર્યો કાંડ ? તપાસમાં બહાર આવ્યું છે કે નિકુંજે તેના મિત્ર પાસેથી 10 લાખ રૂપિયા ઉધાર લીધા હતા. આ રકમ ચૂકવી ન શકતા તેણે આત્મહત્યા કરવાનો વિચાર કર્યો. તેણે સવારે દુકાનમાંથી ઝેરી દવા સેલ્ફોસ ખરીદી હતી. ફિલ્ટર પાસે જઈને આ ઝેરી દવા પાણીના ગ્લાસમાં નાખીને પીવાનો પ્રયાસ કર્યો, પરંતુ હિંમત ન થતાં તે અટકી ગયો.
મેનેજરનો ભાણિયો જ આરોપી નીકળ્યો : લોકોની અવરજવરથી ગભરાયેલા નિકુંજે કોઈને ખબર ન પડે તે માટે સેલફોસનું પાઉચ ફિલ્ટરમાં નાખી દીધું. મહત્વની વાત એ છે કે પાણીમાં દુર્ગંધની ફરિયાદ સૌપ્રથમ નિકુંજે જ કરી હતી. પોલીસ તપાસમાં જાણવા મળ્યું કે નિકુંજ લક્ઝુરિયસ લાઈફ જીવતો અને લોનની રકમ ચૂકવવાની સ્થિતિમાં નહોતો.
પોલીસ તપાસમાં ચોંકાવનારો ખુલાસો...
કાપોદ્રા પોલીસ સ્ટેશનના PI એમ. બી. ઔસુરાના જણાવ્યા પ્રમાણે, અનભ જેમ્સના મેનેજર હરેશ લશ્કરીનો નિકુંજ સગો ભાણેજ થાય છે. પહેલા દિવસથી પોલીસને નિકુંજ ઉપર શંકા હતી. જેથી તેના હાવભાવ અને તેની વર્તણૂંક પર વોચ રાખવામાં આવી રહી હતી. નિકુંજ ખુદ હોસ્પિટલમાં દાખલ થઈને ઝેરી પાણી પીધા બાદ અસર થઈ હોય તેવો ઢોંગ કર્યો હતો. હોસ્પિટલમાંથી નિકુંજને રજા મળતાની સાથે જ તેની પર વોચ રાખવામાં આવી રહી હતી.
નિકુંજ ઉપર શંકા પ્રમાણેનું વર્તન સામે આવતા પૂછપરછ હાથ ધરવામાં આવી હતી. જેમાં તે વાતે વાતે અલગ નિવેદન આપી રહ્યો હતો. જેથી તેની કડક પૂછપરછ કરતા ભાંગી પડ્યો હતો. તેના મોબાઈલની તપાસ કરવામાં આવતા જાણવા મળ્યું કે ઓનલાઈન ગ્રોસરી વેચવાના ધંધામાં તેને નુકસાન થતાં દેવું થઈ ગયું હતું. મિત્રો પાસેથી ઉધારમાં તેણે 10 લાખ રૂપિયા લીધા હતા. જે ચૂકવી શકે તેવી સ્થિતિ ન હોવાથી તેણે આ પગલું ભરવાનો પ્રયાસ કર્યો હતો.
આરોપીએ કરી કબૂલાત : આરોપી નિકુંજે પોલીસને જણાવ્યું હતું કે, દસ લાખ જેટલું દેવું થઈ જવાના કારણે તેને ઘઉંમાં નાખવાની આ સેલ્ફોસ નામની દવા ખરીદી અને ત્યારબાદ તેણે આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જોકે હિંમત નહીં થતા અને કોઈ જોઈ જશે તેવા ભયના કારણે તેણે આ સેલફોસની પડીકી ફિલ્ટરની અંદર નાખી દીધી હતી. ત્યારબાદ થોડા સમય બાદ તેની ગંભીરતા જોતા તે જ મામા હરેશ લશ્કરીને કહેવા ગયો હતો.