સુરત: શહેરના સિટીલાઈટમાં ફાલ્કન એવન્યુમાં રહેતા 32 વર્ષીય આકાશ અશોકભાઈ સંઘવી નામના હીરાના વેપારી મહિધરપુરામાં દાલગીયા મહોલ્લા ખાતે શાલીગ્રામ એપાર્ટમેન્ટમાં આદિ જેમ્સના નામથી નેચરલ હીરાનો વેપાર કરે છે. આકાશ સંઘવીનો રવિ ગણેશભાઈ વઘાસિયા નામના હીરા દલાલ સાથે એપ્રિલ-૨૦૨૫માં પરિચય થયો હતો.
રવિ વઘાસિયાએ દિલ્હી ખાતે સાઈ ડાયમંડ નામે વેપાર કરતા જોનીભાઈને બ્રાઉન હીરાની જરૂરિયાત હોવાની વાત કરી હતી. જેથી રવિ વઘાસિયાના કહેવાથી રૂ.૩૪ લાખના હીરાનો માલ દિલ્હીના જોનીભાઈને મોકલી આપ્યો હતો અને બાદમાં હીરા પસંદ પડતા સોદો ફાઈનલ થયો હતો. ત્યારબાદ રવિ વઘાસિયા હસ્તક સુરતના વેપારીને ૧૩.૩૦ લાખના બ્રાઉન હીરા મોકલી આપ્યા હતા.
પાકતી મુદતે પેમેન્ટ માટે કોલ કરતા રવિ વઘાસિયા વાયદાનો વેપાર કરતો હતો અને જેનીશભાઈ નામના વેપારીનો સંપર્ક કર્યો તો રવિ મારફતે કોઈ હીરા ખરીદ્યા નથી એવું જણાયું હતું. દિલ્હીવાળા જોનીભાઈએ પણ પેમેન્ટ બાબતે યોગ્ય જવાબ આપ્યો ન હતો. રવિ વઘાસિયાએ ૪૭.૩૯ લાખના હીરા વેપારીઓને આપવાના બહાને લઈ પેમેન્ટના નામે ઠેંગો બતાવ્યો હતો.
હીરાબજારમાં તપાસ કરતા માલૂમ પડ્યું કે, દલાલ રવિ વઘાસિયાએ અન્ય ૧૧ હીરા વેપારીઓના પણ રૂ. ૩.૬૦ કરોડ ચાંઉ કર્યા હોવાનો ઘટસ્ફોટ થયો હતો. આમ, ૧૨ હીરા વેપારી પાસેથી ૪.૦૭ કરોડ રૂપિયાના હીરા મેળવી દલાલ રવિ વઘાસિયા ભૂગર્ભમાં ઊતરી ગયો હતો. આકાશ સંઘવીએ ફરિયાદ આપતા ક્રાઈમ બ્રાંચે દલાલ રવિ ગણેશ વઘાસિયા અને સાઈ ડાયમંડના દિલ્હીના વેપારી જોનીભાઈ સામે ઠગાઈનો ગુનો નોંધ્યો હતો.

પોલીસ ફરિયાદ બાદ વધુ બે ભોગ બનનારા વેપારી બહાર આવ્યા હતા અને ઠગાઈનો આંકડો રૂ. ૬.૨૧ કરોડ પર પહોંચ્યો હતો અને આંકડો વધવાની શક્યતા છે. દરમિયાન ઈકો સેલે આરોપી રવિ ગણેશ વઘાસીયા ઉર્ફે રવિ ચોગઠ (ઉ. વ. ૩૯, રહે. સહજાનંદ સોસાયટી, રાશિ સર્કલ, કતારગામ- મૂળ ચોગઠ, ઉમરાળા, ભાવનગર)ને અમદાવાદના સરખેજથી પકડી પડાયો હતો. રવિ ચોગઠે હીરા માર્કેટમાં ૫૦ ટકા ભાવે વેચી રોકડી કરી લીધી હતી અને મોટી રકમ શેરબજારમાં ગુમાવી દીધી હોવાનું રટણ કરે છે. પાંચ દિવસના રિમાન્ડ મેળવી પીઆઈ બારિયાએ પૂછપરછ હાથ ધરી હતી.