સુરત : હાલમાં જ સુરત જિલ્લામાં નશીલા પદાર્થ ઝડપાવાનો સિલસિલો યથાવત છે. વધુ એકવાર નશીલો પદાર્થ ઝડપાયો છે. સુરત શહેરમાં રમકડાની દુકાનમાં અફીણનો જથ્થો ઝડપાયો હતો. દુકાનદાર પાસેથી 1 લાખનું અફીણ મળ્યું હતું. આ કેસમાં પોલીસે MP ના સપ્લાયરને વોન્ટેડ જાહેર કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
રમકડાની દુકાનમાં અફીણનો વેપલો : સુરત શહેરના ભટાર વિસ્તારમાં આવેલી એક રમકડાની દુકાનમાંથી પોલીસે મોટી માત્રામાં અફીણ જપ્ત કર્યું છે. ખટોદરા પોલીસના ડી સ્ટાફને મળેલી બાતમીના આધારે સંકલ્પ શોપિંગ સેન્ટરમાં આવેલ કવિતા નામની રમકડાની દુકાનમાં દરોડા પાડવામાં આવ્યા હતા.
અફીણના જથ્થા સાથે એક ઝડપાયો : દરોડા દરમિયાન દુકાનના કાઉન્ટરની નીચેથી 600 ગ્રામ અફીણ મળી આવ્યું હતું. જેની બજાર કિંમત 1 લાખથી વધુ છે. પોલીસે દુકાનના માલિક 56 વર્ષીય પ્રેમસિંહ રાણાજી રાજપુરોહિતની ધરપકડ કરી છે. તે અભિષેક એપાર્ટમેન્ટ, ન્યુ ભટાર રોડ પર રહે છે અને મૂળ રાજસ્થાનના બાલોટાનો વતની છે.

રમકડાની આડમાં અફીણનું વેચાણ : પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે આરોપી છેલ્લા 8 મહિનાથી રમકડાની આડમાં અફીણનું વેચાણ કરતો હતો. તે માત્ર ઓળખીતા ગ્રાહકોને જ એક-બે તોલાના હિસાબે અફીણની નાની ગોળીઓ બનાવીને વેચતો હતો.
અફીણ સપ્લાય કરનાર કોણ ? આ અફીણનો જથ્થો મધ્યપ્રદેશના નારાયણ પાટીદાર પાસેથી મેળવવામાં આવતો હતો. નારાયણ રાજસ્થાનથી બસમાં સુરત આવીને અફીણનો જથ્થો સપ્લાય કરતો હતો. પોલીસે નારાયણ પાટીદારને વોન્ટેડ જાહેર કર્યો છે. પોલીસ દ્વારા હાલ ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે.