સુરત: સુરતના કાપોદ્રા વિસ્તારમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. 17 વર્ષીય રત્નકલાકાર યુવકની નિર્મમ હત્યા કરવામાં આવી છે. પોલીસે આરોપી પ્રભુ રવીરામ શેટ્ટીની ધરપકડ કરી છે.
મૃતક પરેશ અરવિંદભાઈ વાઘેલા રત્નકલાકાર તરીકે કામ કરતો હતો. તે ચાર બહેનોનો એકમાત્ર ભાઈ હતો. તેના પિતા ફ્રુટની લારી ચલાવીને પરિવારનું ગુજરાન ચલાવે છે. ગઈકાલે સાંજે આરોપીએ પરેશને ચપ્પુના ઘા મારી દીધા હતા. હોસ્પિટલમાં લઈ જતાં તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો.
આ જ આરોપીએ 24 વર્ષીય રીક્ષા ચાલક ધીરેન્દ્રકુમાર યાદવ પર પણ હુમલો કર્યો હતો. દિન દયાળ નગર ત્રણ રસ્તા પાસે શાકભાજી ખરીદતા રીક્ષા ચાલકને આરોપીએ મુર્ઘા કેન્દ્ર સુધી લઈ જવાનું કહ્યું. રીક્ષા ચાલકે ના પાડતાં આરોપીએ તેના ખભા, બગલ અને કમરના ભાગે ચપ્પુના ઘા માર્યા. ઘાયલ રીક્ષા ચાલકની હાલ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.
મૃતક પરેશના પરિવારજનો અને સમાજના લોકોએ ગઈ રાત્રે અને આજે સવારે પોલીસ મથકનો ઘેરાવ કરી ન્યાયની માંગ કરી હતી. પોલીસે આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. સ્થિતિ નિયંત્રણમાં રાખવા પોલીસ કાફલો તૈનાત કરવામાં આવ્યો છે.

ડીસીપી અલોક કુમારે જણાવ્યું કે, કાપોદ્રા પોલીસ સ્ટેશન વિસ્તારમાં સાંજે આરોપી અને પીડિત એક બીજા સાથે ટકરાયા હતા. આરોપીએ મૃતક પાસે પૈસા માગ્યા હતા. પરંતુ પૈસા આપવાનો ઇન્કાર કરતા આરોપીએ તેને ચાકુ મારી હત્યા કરી દીધી. ડી સ્ટાફે 15 મિનિટમાં જ આરોપીને ઝડપી લીધો હતો. વધુ તપાસમાં જાણવા મળ્યું કે, આ કેસમાં એક ચાકુ આપનારો પણ આરોપી છે, જેથી તેને પણ અમે ઝડપી લીધો છે. પરિવારની ફાંસીની માંગ હતી અમે તેને આ કેસ ટાઇટ કરવાની બાહેંધરી પણ આપી દીધી છે.
તેમણે કહ્યું કે, FSL અને ઈ-સાક્ષીમાં પંચનામું રેકોર્ડ કરવા સહિતની કાર્યવાહી કરીશું. આ કેસમાં ક્રાઇમ બ્રાન્ચની સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશનની ટીમ કામ કરી રહી છે. આ કેસને ફૂલપ્રૂફ બનાવવા માટે સાયન્ટિફિક પૂરાવા એકત્રિત કરી કોર્ટમાં રજૂ કરીશું. દારુના કોઈપણ અડ્ડાઓ સામે સ્પેશિયલ પેટ્રોલિંગ કરી કડક કાર્યવાહી કરવામાં આવશે.
આ પણ વાંચો: