સુરત: સુરત શહેરના સચિન વિસ્તારમાં મંગળવારે બપોરના સમયે બરોડા ગુજરાત ગ્રામીણ બેંકમાં એક શખ્સે પિસ્તોલના નાળચે લૂંટ ચલાવી હોવાની ઘટના બની છે. બપોરે 12 વાગ્યાના સુમારે સફેદ ટોપી પહેરેલો એક શખ્સ બેંકમાં પ્રવેશ્યો હતો. અને બેંકના સ્ટાફને ગન બતાવીને લૂંટ કરી હતી. સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી, જેનો વીડિયો સામે આવ્યો છે.
બેંકના સીસીટીવી ફૂટેજમાં કેદ થયેલી ઘટના મુજબ, આરોપી સીધો કેશ કાઉન્ટર પર ગયો હતો. ત્યાં ફરજ પર હાજર બે કર્મચારીઓને પિસ્તોલ બતાવી ધમકાવ્યા હતા. આ દરમિયાન એક ગ્રાહક આવતા લૂંટારું તેને પણ બેંકમાં જ ઊભો રાખી દે છે. આ બાદ કર્મચારીઓને એક રૂમમાં પૂરી દીધા બાદ પોણા પાંચ લાખની રોકડ રકમ લઈને ફરાર થઈ ગયો હતો.
ઘટનાની જાણ થતાં જ સચિન પોલીસ મથકના અધિકારીઓ અને ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. પોલીસે સમગ્ર વિસ્તારને કોર્ડન કરી લીધો હતો. આરોપીને પકડવા માટે શહેરના વિવિધ વિસ્તારોમાં નાકાબંધી કરવામાં આવી છે. પોલીસે આરોપીને ઝડપી પાડવા માટે પાંચ ટીમો બનાવી છે. આ ટીમો અલગ-અલગ દિશામાં તપાસ કરી રહી છે. જિલ્લા પોલીસને પણ ઘટનાની જાણ કરવામાં આવી છે.

પોલીસ સીસીટીવી ફૂટેજના આધારે આરોપીની ઓળખ કરવાનો પ્રયાસ કરી રહી છે. હાલમાં સુરત પોલીસે લૂંટારૂના સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરૂ કરી છે. પોલીસે શક્ય તેટલા તમામ માર્ગો પર ચેકિંગ શરૂ કર્યું છે અને નજીકના વિસ્તારોમાં જુદી જુદી ટીમો મોકલી દેવામાં આવી છે. સુરત જેવા મોટા શહેરમાં દિનદહાડે બનેલા આ લૂંટના બનાવને લઈ લોકો હવે સુરક્ષા અંગે ચિંતિત બન્યા છે.

સુરત શહેર ડીસીપી રાજેશ પરમારે જણાવ્યું હતું કે, બનેલી ઘટનાને લઈને પોલીસ સ્થળ પર દોડી આવી છે. બેંકના સીસીટીવી તેમજ આસપાસ વિસ્તારના સીસીટીવી ચેક કરવામાં આવી રહ્યા છે. આરોપીની ઝડપવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. અલગ અલગ ચેકપોસ્ટ પર નાકાબંધી પણ કરી દેવામાં આવી છે.
આ પણ વાંચો: