સુરત: સુરત શહેરમાં GST બોગસ બિલિંગ કૌભાંડમાં ઇકો સેલે મોટી કાર્યવાહી કરી છે. વેસુ વિસ્તારમાં આવેલા ડ્રીમ પેલેસના ફ્લેટમાં દરોડા દરમિયાન એકાઉન્ટન્ટ નિહાલ ગોપાલ ખેમકાના ઘરેથી મહત્વપૂર્ણ પુરાવા મળ્યા છે.
પોલીસને ફ્લેટમાંથી રૂ. 500ની નોટોના 16 બંડલ અને રૂ. 200ની નોટોના 11 બંડલ મળ્યા છે. કુલ રોકડ રકમ રૂ. 10.20 લાખ જપ્ત કરવામાં આવી છે. આ ઉપરાંત કબાટમાંથી બોગસ બિલિંગના પુરાવા સ્વરૂપે વિવિધ વ્યક્તિઓના નામે ટાઈપ કરેલા હિસાબ-કિતાબ, રેટ, ચાર્જ અને TDS સંબંધિત દસ્તાવેજો મળ્યા છે.
દરોડા દરમિયાન વિદેશી દારૂની 9 બોટલો પણ મળી આવી છે. જેક ડેનિયલ્સ અને બ્લેક લેબલ સહિતની આ બોટલોની કિંમત રૂ. 39,385 છે. આરોપી પાસે દારૂનું લાયસન્સ ન હોવાથી પ્રોહિબિશન એક્ટ હેઠળ અલગ ગુનો નોંધવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે 9 બોટલ દારુની કિંમત ચોંકાવનારી હોઈ સહુ કોઈમાં આ ચર્ચાનું કેન્દ્ર બની હતી.
રિંગ રોડ સ્થિત જશ ટેક્સટાઇલ માર્કેટમાં આરોપીની ઓફિસમાં પણ તપાસ કરવામાં આવી. અહીંથી વિવિધ વ્યક્તિઓના આધાર કાર્ડ, પાન કાર્ડ, બેંક પાસબુક, ATM કાર્ડ, સહી કરેલા કોરા ચેક અને 57 જેટલા વિવિધ ફર્મના સ્ટેમ્પ મળ્યા છે. ત્રણ લેપટોપમાંથી GST બોગસ બિલિંગના ડેટા અને એકાઉન્ટિંગ સોફ્ટવેર મળી આવ્યા છે. સાયબર એક્સપર્ટની મદદથી આ અંગે વધુ તપાસ ચાલી રહી છે.
સુરત ઈકો સેલે જણાવ્યું હતું કે, આરોપી વિરુદ્ધ પોલીસએ ગુનો નોંધીને તેને કસ્ટડીમાં લઈ આગળની વધુ તપાસ હાથ ધરી છે. ધરપકડ બાદ પોલીસ આરોપીની અન્ય મિલકત, વધુ દસ્તાવેજો, ખોટા બિલ બનાવવાની પદ્ધતિ અને કૌભાંડમાં જોડાયેલા અન્ય લોકોની તપાસ થઈ રહી છે.