સુરત: સુરતની એક જાણીતી કંપનીમાં કોન્ટ્રેક્ટ પર કામ કરતા ઉત્તર પ્રદેશના વતનીએ પોતાની સગી દીકરી પર છ વર્ષ સુધી દુષ્કર્મ આચર્યું હોવાનો કિસ્સો સામે આવ્યો છે. ઈચ્છાપોર પોલીસે આરોપી પિતાની ધરપકડ કરી છે.
પીડિત દીકરી સુરતમાં ધોરણ-6 સુધી અભ્યાસ કર્યા બાદ વતન પરત ફરી હતી. વડીલોપાર્જિત જમીનના વિવાદ દરમિયાન તેની માતા દોઢ વર્ષ માટે યુપી ગઈ હતી. વર્ષ 2019માં જ્યારે પીડિતા ધોરણ-8માં અભ્યાસ કરતી હતી, ત્યારે 13 વર્ષની ઉંમરે પિતાએ પ્રથમવાર તેના પર દુષ્કર્મ આચર્યું હતું.
દીકરીએ આ અંગે માતા અને દાદા-દાદીને જાણ કરી હતી. પરિવારે પિતાને ઠપકો આપ્યો હતો, પરંતુ તેણે પોતાનું કૃત્ય છુપાવવા ઝઘડો કર્યો હતો. ત્યારબાદ પીડિતા દાદી સાથે રૂમ બદલીને રહેવા લાગી હતી. 2023માં દીકરી ધોરણ-12ના અભ્યાસ માટે માતા અને ભાઈ સાથે સુરત આવી હતી. અહીં પણ પિતાએ તેનું શોષણ ચાલુ રાખ્યું હતું. વિરોધ કરતા તેને મારઝૂડ કરતો હતો. દીકરીએ દોઢ મહિના કાકાના ઘરે રહીને પોતાને બચાવવાનો પ્રયાસ કર્યો હતો.
આ પીડાથી મુક્તિ મેળવવા માટે તેણે 4 મેના રોજ ઘર છોડ્યું હતું. બે દિવસ સુરત રેલવે સ્ટેશન પર ભૂખ્યા-તરસ્યા વિતાવ્યા હતા. અંતે એક ઓળખીતાની મદદથી ઈચ્છાપોર પોલીસ મથકે પહોંચી હતી અને પિતા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે તાત્કાલિક આરોપી પિતાની ધરપકડ કરી જેલમાં મોકલી આપ્યો છે.
સમગ્ર મામલે એસીપી દીપ વકીલે જણાવ્યું હતું કે, ભોગ બનનારની ફરિયાદના આધારે BNSની કલમ અને પોસ્કો એક્ટ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. ભોગ બનનાર પોતાના ઘરેથી નીકળી ગઇ હતી ત્યારે પિતા મિસિંગની ફરિયાદ દાખલ કરવા માટે પોલીસ સ્ટેશન આવ્યો હતો. તેની શોધખોળ પોલીસ દ્વારા શરૂ કરવામાં આવી હતી. ત્યાર પછી પીડિતા પોતે પોલીસ સ્ટેશન હાજર થઈ હતી. 2019 એટલે છ વર્ષથી પિતા તેની સાથે દુષ્કર્મ આચરી રહ્યો હતો. તેને માર મારવામાં પણ આવી રહ્યો હતો, જેના કારણે તે ઘર છોડીને નાસી ગઈ હતી. મિસિંગ સગીરાની શોધખોળ દરમિયાન આ આખી હકીકત સામે આવી હતી.
આ પણ વાંચો: