સુરત : ખેડૂતોનો સૌથી મોટો દુશ્મન માવઠાને માનવામાં આવે છે. માવઠું એ ખેડૂતોના મોઢે આવેલો કોળિયો છીનવી લેતું હોય છે અને ખેડૂતોને રાતા પાણીએ રડાવતા હોય છે. આ વર્ષે પણ માવઠાએ ખેડૂતોની દશા બગાડી દીધી છે. સુરત જિલ્લામાં 10 દિવસ પહેલા થયેલા માવઠાએ ખેડૂતોની સ્થિતિ વણસી ગઈ છે.
માવઠાનો માર જીલતા ખેડૂતો : સુરત જિલ્લામાં મોટી સંખ્યામાં ખેડૂતો ડાંગરની ખેતી કરે છે. કમોસમી વરસાદ અને માવઠાના કારણે તેમની આખા વર્ષની મહેનત નિષ્ફળ ગઈ છે. પરિસ્થિતિ એટલી વિકટ છે કે ખેડૂતો પોતાનો પાક બચાવવા માટે રાત દિવસ સતત મહેનત કરી રહ્યા છે. સુરત જિલ્લાના ઓલપાડ-કીમ સ્ટેટ હાઈવે પર આવ્યા છે. તેઓ વાહનોની અવરજવર વચ્ચે પણ રાત્રે ડાંગર સૂકવી રહ્યા છે. ખેડૂતો રાત્રે પણ પોતાની ડાંગરની રખેવાળી કરે છે જેથી કોઈ ચોરી ન કરે.
રોડ પર સૂકવ્યો ડાંગરનો પાક : સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના બોલાવ ગામના ખેડૂત જીતેન્દ્રભાઈના જણાવ્યા મુજબ, ભારે પવન સાથે થયેલા માવઠા બાદ છેલ્લા 10 દિવસથી તેઓ રાત-દિવસ ડાંગર સૂકવવાનું કામ કરી રહ્યા છે. ગામમાં જગ્યા ન હોવાથી અને ખેતરમાં ભેજ હોવાથી તેમને હાઈવે પર આવવું પડ્યું છે. રૂપિયા ખર્ચી મજૂર લાવી ડાંગર સૂકવી રહ્યા છીએ. ડાંગર સૂકાયા બાદ કોથળામાં ભરી રહ્યા છીએ. ખૂબ જ ખર્ચ વધી રહ્યો છે. પૂરતા ટેકાના ભાવ પણ નથી મળી રહ્યા.

આર્થિક સહાયની માંગ કરી : ખેડૂત જીતેન્દ્રસિંહ વરાસીયા અને હિતેશ ભેરથાણીયાએ પણ આ મુશ્કેલ પરિસ્થિતિની પુષ્ટિ કરી છે. ખેડૂતોને થયેલા મોટા નુકસાન માટે સરકાર પાસે ઝડપી આર્થિક સહાયની માંગ કરવામાં આવી રહી છે.