સુરત: માતા-પિતાની વચ્ચે છૂટાછેડાને લઈને ચાલતા કોર્ટ કેસમાં પિતાની જાણ બહાર જ 12 વર્ષીય પુત્રને દીક્ષા અપાવવાનું નક્કી કરી લેનારી માતાને કોર્ટની લપડાક પડી છે. પિતાની જાણ બહાર જ પુત્રને દીક્ષા અપાવવાના માતાના નિર્ણય પર અને દીક્ષા સમારોહ ઉપર સુરતની ફેમિલી કોર્ટે સ્ટે મૂકતો હુકમ કર્યો હતો.
પતિ-પત્ની વચ્ચે કોર્ટમાં ચાલતો હતો કેસ
આ કેસની વિગત મુજબ ઈન્દોરમાં રહેતા ભાવિનશાહના લગ્ન 2008માં થયા હતા. લગ્નજીવન થકી તેઓને સંતાનમાં એક પુત્રનો જન્મ થયો હતો. જેની હાલમાં 12 વર્ષની ઉંમર છે. બીજી તરફ ભાવિનભાઈ અને તેમના પત્ની વચ્ચે ઝઘડા શરૂ થયા હતા, પરિણામે તેમના પોતાના પિયરમાં રહેવા આવી ગયા હતા. પત્નીએ ભાવિન સામે ઘરેલુ હિંસા અન્વયે પોલીસ ફરિયાદ કરી હતી અને તેઓના કોર્ટ કેસ પણ ચાલી રહ્યા છે.
પિતાની જાણ બહાર પુત્રના દીક્ષા સમારોહનું આયોજન
હાલમાં 12 વર્ષીય બાળકનો કબજો માતા પાસે છે. દંપતીના ઝઘડા વચ્ચે માતાએ પુત્રને દીક્ષા અપાવવાનું નક્કી કરી લીધું હતું. જૈનાચાર્યો પાસેથી માર્ગદર્શન મેળવીને તા. 22મી મે 2025ના રોજ દીક્ષા સમારોહનું પણ આયોજન કરી દેવાયું હતું. આ અંગે પિતાને જાણ થતા જ તેઓએ સુરતની ફેમિલી કોર્ટમાં એડવોકેટ નરેશ ગોહિલ મારફતે ફરિયાદ કરીને દીક્ષા ઉપર સ્ટે મૂકવાની માંગ કરી હતી.
કોર્ટમાં વકીલે શું દલીલ કરી?
વકીલ દ્વારા દલીલો કરવામાં આવી હતી કે, ધર્મ કાયદાથી ઉપર નથી, ધર્મ સમાજના વિખવાદના તટસ્થ નિકાલ માટે કોર્ટ સર્વોપરી છે. કોર્ટમાં મેટર સબજ્યુડીશ હોવા છતાં કોર્ટની અને પિતાની રજા મંજૂરી વિના માતાએ દીકરાને દીક્ષા અપાવી દીધી તો જૈન સમાજમાં આ પ્રકારના કૃત્યો વધશે અને છેવટે કોર્ટનું ભારણ વધશે. શા માટે માતાએ પુત્રને જ દીક્ષા અપાવી? પોતે પણ દીક્ષા લઈ શકતા હતા. આજે ચાલેલા આ કેસમાં બંને પક્ષોની દલીલો બાદ કોર્ટે દીક્ષા સમારોહ ઉપર સ્ટે મૂકતો હુકમ કર્યો હતા.
કોર્ટે અવલોકનમાં શું નોંધ્યું?
કોર્ટે પોતાના અવલોકનમાં નોંધ્યું હતું કે, જ્યાં સુધી મુળ ફરિયાદ અરજીનો નિકાલ નહીં આવે ત્યાં સુધી પુત્રને દીક્ષા અપાવવી કે નહીં. તેમજ પુત્રની કસ્ટડી અન્ય કોઈને સુપ્રત કરાવી કે નહીં તેઓ વચગાળાનો હુકમ કરવામાં આવ્યો હતો. માતા તરફથી વકીલ સ્વાતિ મહેતાએ જણાવ્યું હતું કે, પિતા તરફથી વચગાળાની કસ્ટડીની માંગણી કોર્ટમાં કરવામાં આવી હતી. સંયમના માર્ગે બાળક જવા માટે ઈચ્છા ધરાવતો હતો, પરંતુ પિતાને શંકા હતી કે મારો દીકરો દીક્ષા લઈ લેશે, જેથી તેમણે કોર્ટમાં અરજી કરી હતી. પુત્રને તેમણે 10 વર્ષ પહેલા ત્યજી દીધો હતો. ત્યારથી તેની કસ્ટડી માતા પાસે રહી છે. માતાએ અડાજણ પોલીસ મથકમાં ફરિયાદ પણ આપી ચૂકી છે. બાળક દીક્ષા લઈ લેશે એવી તેમને શંકા હતી, પરંતુ આવા કોઈ સંજોગો ઊભા થયા નહોતા.
આ પણ વાંચો: