સુરત : સુરત જિલ્લાના પલસાણા તાલુકાના ગંગાધરા ગામે એક દુઃખદ ઘટના સામે આવી છે. અમલસાડી ગામના પટેલ ફળિયામાં રહેતા પ્રતિકભાઈ પટેલ અને તેમની પત્ની વિભૂતિબેનનું કરંટ લાગવાથી મોત નિપજ્યું છે.
ગંગાધરા ગામે બન્યો કરુણ બનાવ : ગંગાધરા ગામ ખાતે એક કરુણ બનાવ બન્યો છે. સાસરીમાં મહેમાનગતી કરવા આવેલા યુવકની નજર સામે તેની પત્નીને કરંટ લાગતા પતિ દોટ મૂકી હતી. બચાવવા જતા પતિને પણ કરંટ લાગ્યો હતો. આ બનાવમાં પતિ-પત્નીના મોત થતા ગામમાં શોક પ્રસરી ગયો છે.
પત્નીને લાગ્યો કરંટ, પછી...
આ બનાવ અંગે મળતી વિગત અનુસાર 29 વર્ષીય વિભૂતિબેન ગંગાધરા ફાટક પાસે પોતાના પિયર ઘરે લોખંડના તાર પર સૂકવેલા કપડાં લેવા ગયા હતા. કપડાં લેતી વખતે તેમને જમણા હાથે વીજ કરંટ લાગ્યો હતો અને તેઓ જમીન પર પડી ગયા હતા. પત્નીને બચાવવા ગયેલા 32 વર્ષીય પ્રતિકભાઈને પણ કરંટ લાગ્યો હતો.
પતિ-પત્નીનું દુઃખદ મોત : બંનેને તાત્કાલિક બારડોલીની સરદાર સ્મારક હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા. તબીબોએ તપાસ કરીને બંનેને મૃત જાહેર કર્યા હતા. આ દુર્ઘટનાથી પરિવારજનો શોકમાં ગરકાવ થઈ ગયા છે. ઘટનાને પગલે પલસાણા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
પોલીસ તપાસ અને કાર્યવાહી : કડોદરા પોલીસ મથકના ASI નરેશભાઈએ જણાવ્યું હતું કે, દંપતીને વીજ કરંટ લાગતા પ્રાથમિક સારવાર માટે બારડોલી ખાતે આવેલા સરદાર સ્મારક હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા. હોસ્પિટલમાં ફરજ ઉપર હાજર ડોક્ટર ભાવિક રાઠોડે બંને લોકોને જોઈ તપાસી મૃત જાહેર કર્યા હતા.