સુરત: સુરત શહેરમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. ભાજપના વોર્ડ નંબર 8ના મહામંત્રી આદિત્ય ઉપાધ્યાય અને તેના મિત્ર ગૌરવસિંહ રાજપૂતે 23 વર્ષીય યુવતી પર દુષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદ પોલીસમાં નોંધાઈ છે. મામલો સામે આવ્યા બાદ ભાજપે મહામંત્રી આદિત્ય ઉપાધ્યાયને પક્ષમાંથી સસ્પેન્ડ કરી દીધો છે.
યુવતીને કારમાં બેસાડી નશીલું પીણું પીવડાવ્યું
મામલાની વિગતો મુજબ વેડ રોડની રહેવાસી યુવતીની બજારમાં આદિત્ય ઉપાધ્યાય સાથે મુલાકાત થઈ હતી. આદિત્યએ યુવતીને વાતચીત કરવાના બહાને કારમાં બેસાડી હતી. તેણે યુવતીને નશીલું પીણું પીવડાવ્યું હતું. યુવતી અર્ધબેભાન થતાં તેને જહાંગીરપુરાની એક હોટલમાં લઈ ગયો હતો.
હોટલમાં લઈ જઈ દુષ્કર્મ આચર્યું
આ બાદ હોટલમાં આદિત્યનો મિત્ર ગૌરવસિંહ રાજપૂત પહેલેથી હાજર હતો. બંને આરોપીઓએ યુવતી પર વારાફરતી દુષ્કર્મ આચર્યું હતું. દુષ્કર્મ બાદ આરોપીઓએ યુવતીને તેના ઘર નજીક છોડી દીધી હતી. યુવતીએ ભાનમાં આવ્યા બાદ તરત જ પોલીસનો સંપર્ક કર્યો હતો. જે બાદ પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરી છે.

પાર્ટીએ પક્ષમાંથી સસ્પેન્ડ કર્યો
ઘટના બાદ ભાજપ સુરત શહેર પ્રમુખ પરેશ પટેલે આદિત્ય ઉપાધ્યાયને તાત્કાલિક અસરથી પાર્ટીમાંથી સસ્પેન્ડ કર્યો છે. હાલ સુરત પોલીસ દ્વારા હોટલના સીસીટીવી ફૂટેજ, કારની વિગત, કોલ રેકોર્ડ અને યુવતીનાં નિવેદનોના આધારે વધુ તપાસ આગળ ધપાવવામાં આવી રહી છે. આરોપીઓ રિમાન્ડ મેળવવામાં આવશે, જેથી વધુ ખુલાસા થાય એવી શક્યતા છે. ત્યારે ભાજપના વોર્ડ નંબર 8ના મહામંત્રી આદિત્ય ઉપાધ્યાય અને તેના મિત્ર ગૌરવસિંહ રાજપૂતે 23 વર્ષીય યુવતી પર દુષ્કર્મ આચર્યાની ઘટનાને લઈને સુરત શહેરના રાજકારણમાં પણ ગરમાવો આવી ગયો છે. વિપક્ષ પણ સતત ભાજપને ઘેરાવાના પ્રયાસો કરી રહ્યું છે.
આ પણ વાંચો: