સુરત : હીરા બજારમાં વર્ષોથી વિશ્વાસ અને ભરોસા પર વેપાર થતો આવ્યો છે. પરંતુ છેલ્લા સમયથી અવિશ્વાસનું વાતાવરણ સર્જાયું છે અને છેતરપિંડીના કિસ્સાઓ વધી રહ્યા છે. હાલમાં જ સુરત અને ભાવનગરના 19 જેટલા હીરા વેપારીઓ સાથે કરોડો રૂપિયાની છેતરપિંડી થયાનો કિસ્સો સામે આવ્યો છે.
હીરા વેપારીઓ સાથે કરોડોની છેતરપિંડી : આ બનાવ અંગે મળતી વિગત અનુસાર હીરા દલાલ રવિ ચોગઠે અલગ અલગ વેપારીઓ પાસેથી રૂ. 6.70 કરોડના નેચરલ ડાયમંડ અન્ય વેપારીઓને બતાવવાના બહાને લીધા હતા. આરોપી રવિએ આ ડાયમંડ્સ સુરતના અક્ષય જાસોલિયા અને દિલ્હીના ધનરાજ રાઠોડને 50 ટકા સસ્તા ભાવે વેચી દીધા હતા.
આરોપી દલાલ રવિ ચોગઠની અટકાયત : સુરત પોલીસના ઇકો સેલમાં આ મામલે ફરિયાદ નોંધાતા પોલીસે પહેલા રવિ ચોગઠની ધરપકડ કરી હતી. તપાસમાં જાણવા મળ્યું કે અક્ષય જાસોલિયા અને ધનરાજ રાઠોડે પણ વગર બિલે સસ્તા ભાવે હીરાની ખરીદી કરી હતી. પોલીસે સુરતથી અક્ષય જાસોલિયા અને દિલ્હીથી ધનરાજ રાઠોડની ધરપકડ કરી છે.
50 ટકા સસ્તા દરે વેચી દીધા હીરા : મહત્ત્વનું છે કે રવિ ચોગઠ દ્વારા 2.75 લાખની કિંમતના નેચરલ ડાયમંડ્સ દિલ્હીના ધનરાજ રાઠોડને 50 ટકાના સસ્તા ભાવે વેચાણ કરવામાં આવ્યા હતા. એવી જ રીતે સુરતના અક્ષય જાસોલિયાને પણ 4 કરોડની કિંમતના નેચરલ ડાયમંડ વેચાણ કર્યા હતા. એ ડાયમંડ્સ પણ 50 ટકાના સસ્તા દરે વેચાણ કરી રોકડી કરી લેવામાં આવી હતી.
સુરત-દિલ્હીના બે દલાલની ધરપકડ : આમ, હાલ ઝડપાયેલા બંને આરોપી હીરાના વેપારીઓ પાસેથી છેતરપિંડી કરી મેળવવામાં આવેલા ડાયમંડ્સ સસ્તા ભાવે ખરીદતા હતા. જે આરોપીઓ દ્વારા હમણાં સુધી આવી રીતે કેટલા હીરા-દલાલ પાસેથી ડાયમંડની ખરીદી કરવામાં આવી છે એની પણ વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. પોલીસે બંને આરોપીઓના રિમાન્ડની તજવીજ હાથ ધરી છે. આ ડાયમંડ્સનું આગળ કોને વેચાણ કરવામાં આવ્યું તેની તપાસ ચાલી રહી છે.