સુરત : તાજેતરમાં સુરત શહેરના જહાંગીરપુરા વિસ્તારમાં સ્થિત એક ATM તોડી કેટલાક શખ્સોએ ચોરી કરી હતી. આ કેસમાં પોલીસે મોટી સફળતા મેળવી છે. પોલીસે આંતરરાજ્ય ગેંગના ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે. સાથે જ આરોપીઓ પાસેથી કુલ 4.24 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે.
સુરતમાં ATM કાપી ચોરીનો કેસ : પોલીસ પાસેથી મળતી વિગતો અનુસાર ગત 13 માર્ચ, 2025ની રાત્રે 2:25થી 2:32 વાગ્યા દરમિયાન, ચારથી પાંચ આરોપીઓએ જહાંગીરપુરા વિસ્તારમાં આવેલા SBI ATM માં પ્રવેશ કર્યો હતો. તેઓએ ગેસ કટરથી HYOSUNG કંપનીના ATM મશીનને કાપીને કુલ 18.14 લાખ રૂપિયાની ચોરી કરી હતી.
સુરત પોલીસને મળી મોટી સફળતા : આ અંગે માહિતી મળતા જ પોલીસે 250થી વધુ CCTV કેમેરાના ફૂટેજ તપાસ્યા હતા. આરોપીઓ બલેનો કારમાંથી ટેક્સી પાસિંગ અર્ટિગા કારમાં બદલીને ભરૂચ તરફ ભાગ્યા હતા. પોલીસે સૌપ્રથમ સુરતથી એક આરોપીને પકડ્યો હતો. બાદમાં તપાસમાં જાણવા મળ્યું કે અન્ય આરોપીઓ હરિયાણાના નૂહ મેવાત વિસ્તારના છે.
આંતરરાજ્ય ગેંગના ત્રણ આરોપી ઝડપાયા : પકડાયેલા આરોપીઓમાં 23 વર્ષીય તોહિદખાન તૈયબખાન, 22 વર્ષીય આદિલ ચંચલખાન અને 22 વર્ષીય સાકિર મુબીન કુરેશીનો સમાવેશ થાય છે. પોલીસે આરોપીઓ પાસેથી કુલ 4.24 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે. તોહિદખાન અને આદિલ ભંગારનો વેપાર કરે છે, જ્યારે સાકિર નોકરી કરે છે.
કબજો કરેલ મુદામાલની વિગત : પોલીસ ટીમે આરોપીઓ પાસેથી કુલ રૂ. 4,24,500 મત્તાનો મુદ્દામાલ મળ્યો હતો. જે ગુનો નોંધી પોલીસે કબજે કર્યો હતો. જેમાં આરોપી તોહિદખાનની અંગઝડતીમાંથી રૂ. 500ના દરની 349 નોટ એટલે રૂ. 1,99,500 રોકડા તથા આરોપી આદીલ ખાનની અંગઝડતીમાંથી રૂ. 500ના દરની 360 નોટ એટલે 1,80,000 રોકડા તથા આ ગુનામાં ચોરેલ રૂપિયામાંથી સેકન્ડમાં તેમના ગામ પિનગવામાંથી ખરીદ કરેલ રૂ. 45,000 નો ગોલ્ડન કલરનો આઈફોન 13 Pro Max મળી આવ્યો હતો.