સુરત: સુરતમાં એક ATM સિક્યુરિટી ગાર્ડને ત્રણ મહિનાથી પગાર ન મળતા તેણે આત્મહત્યાની ચિમકી આપી હતી.હિરેનકુમાર દિનેશભાઈ પંડ્યા નામના સિક્યુરિટી ગાર્ડે પોલીસ સ્ટેશનમાં મદદ માટે અરજી કરી હતી.
તેમણે જણાવ્યું હતું કે, તેમના સુપરવાઈઝરે છેલ્લા ત્રણ મહિનાથી પગાર ચૂકવ્યો નથી. વારંવાર માગણી કરવા છતાં સુપરવાઈઝરે કંપની તરફથી પેમેન્ટ ન મળ્યાનું કારણ આપ્યું હતું. આર્થિક મુશ્કેલીઓથી ત્રસ્ત હિરેનકુમારે જંતુનાશક દવા ખરીદી. તેમણે દવાનો ફોટો સુપરવાઈઝરને વોટ્સએપ કર્યો અને પોલીસ સ્ટેશન પહોંચ્યા.
પોલીસ ઈન્સ્પેક્ટર એચ.એમ. ચૌહાણે તાત્કાલિક કાર્યવાહી કરી. સર્વેલન્સ PSI એચ.આર. ચૌધરી અને ઈન્વેસ્ટિગેશન PSI એમ.એલ. ડામોરને કેસ સોંપ્યો. પોલીસે સુપરવાઈઝરને બોલાવ્યા અને કંપનીના ઉચ્ચ અધિકારીઓ સાથે વાત કરી.
પોલીસની દખલગીરી બાદ કંપનીએ તાત્કાલિક રૂ. 24,000નો બાકી પગાર ચૂકવ્યો. પોલીસે હિરેનકુમારને કાઉન્સેલિંગ આપી અને તેમને સલામત રીતે તેમના પરિવાર સાથે મોકલ્યા. આ રીતે પોલીસે માનવતાપૂર્ણ અભિગમ સાથે સમસ્યાનું નિરાકરણ લાવ્યું.
પોલીસ ઈન્સ્પેક્ટર એચ.એમ. ચૌહાણે જણાવ્યું હતું કે, ' વરાછા રોડ પર રહેતા અરજદાર હિરેનકુમાર દિનેશભાઈ પંડ્યાએ પોલીસ સ્ટેશનમાં આવીને જણાવ્યું હતું કે, તેઓ ATM મશીનના સીક્યુરીટી ગાર્ડની નોકરી કરતા હોય અને તેઓને તેમના સુપરવાઈઝરે છેલ્લા ત્રણેક મહિનાથી તેમને પગાર ચુકવ્યો નથી, તેઓની હાલમાં આર્થિક પરિસ્થિતિ ખુબ જ ખરાબ હોવાથી જે કંપનીના સુપરવાઈઝર પાસે પગારની અવાર-નવાર ઉઘરાણી કરતા હતી, જોકે, સુપરવાઈઝર તેમને કંપની તરફથી પેમેન્ટ આવેલું ન હોવાથી પગાર ચુકવી શકેલો ન હોવાનું જણાવતા હતા.
બીજી તરફ હિરેનભાઈને જીવનનિર્વાહ માટે પૈસાની ખુબ જરૂરીયાત હોવાથી સુપરવાઈઝર પાસે પગારની માંગણી કરતા હતા પરંતુ પગાર મળતો ન હોવાથી તેમણે દવાની દુકાનમાંથી જંતુનાશક ઝેરી દવા પીવાના ઈરાદેથી ખરીદી અને સુપરવાઈઝરને આ દવાનો ફોટો પાડીને વ્હોટ્સએપ કર્યો હતો અને ત્યારબાદ તેઓ દવાની બોટલ સાથે પોલીસ સ્ટેશન આવેલા અને અમને પોલીસને તેમની આપવીતી જણાવી હતી. પોલીસે તેમને સાંભળ્યા અને ઘટનાની ગંભીરતાને સમજી અને માનવતાના આધારે તાત્કાલીક મદદ કરી હતી.