સુરત: સુરત જિલ્લાના ઉમરપાડા સ્થિત આદર્શ નિવાસી કન્યા શાળામાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. શાળાની હોસ્ટેલમાં રહેતી 14 વર્ષીય યશ્વી વસાવાનું શંકાસ્પદ સંજોગોમાં મોત નીપજ્યું છે.
વિદ્યાર્થિનીને માથું દુખતું હતું
ધોરણ 9માં અભ્યાસ કરતી યશ્વીને 3 એપ્રિલની રાત્રે માથાનો દુખાવો થતાં હોસ્ટેલમાંથી દવા આપવામાં આવી હતી. સવારે 4 વાગ્યાના સુમારે તે પોતાના રૂમમાં ન મળતાં શોધખોળ શરૂ કરવામાં આવી હતી. યશ્વી બાથરૂમ પાસે બેભાન અવસ્થામાં મળી આવી હતી.
સુરત સિવિલમાં મૃત જાહેર કરાઈ
હોસ્ટેલ સંચાલકોએ તરત જ પરિવારને જાણ કરી હતી. યશ્વીની માતા અને કાકા બાઈક પર હોસ્ટેલ પહોંચ્યા હતા. તેને પ્રથમ ઉમરપાડા સરકારી હોસ્પિટલ લઈ જવામાં આવી હતી. ત્યાંથી માંડવી અને બારડોલી થઈને અંતે સુરત સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. જોકે, સિવિલમાં પહોંચતા જ ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કરી હતી.
શરીર પર ઈજાના નિશાન મળ્યાનો દાવો
વિશેષ ચિંતાજનક બાબત એ છે કે યશ્વીના શરીર પર ઈજાના નિશાન મળી આવ્યા છે. આ કારણે પરિવારજનોએ હત્યાની આશંકા વ્યક્ત કરી છે. હાલ સુરત સિવિલ હોસ્પિટલમાં ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરવામાં આવી રહ્યું છે. મૃત્યુનું ચોક્કસ કારણ પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ જ સ્પષ્ટ થશે. પોલીસે તપાસ શરૂ કરી છે.
પોલીસે શું કહ્યું?
ઉમરપાડા પોલીસ મથકના પીઆઈ સી.બી ચૌહાણે જણાવ્યું હતું કે, યશ્વીબેન અશ્વિનભાઈ દેવજીભાઈ વસાવાની દિકરી છે અને આદર્શ નિવાસી કન્યાશાળામાં અભ્યાસ કરતી હતી. મૃતકને રાત્રિના વખતે ગોપાલીયા હોસ્ટેલમાં માથાનો દુખાવો થતો હોવાથી માથાની ગોળી લીધી અને પછી સુઇ ગઈ હતી. તા 3 એપ્રિલના રોજ હોસ્ટેલની છોકરીઓ જગાડવા જતા જાગતી નહોતી આથી હોસ્ટેલના ગુહમાતાએ તેના કાકાને બોલાવીને બારડોલી હોસ્પીટલ ધુલિયા ચોકડી ખાતે દાખલ કરી હતી. ત્યાથી વધુ સારવાર માટે તેને સુરત નવી સિવિલ હોસ્પીટલ ખાતે લઇ ગયા હતા. ત્યાના ડો. પ્રિયાંશીએ તેને મૃત જાહેર કરી હતી.
આ પણ વાંચો: