જુનાગઢ: ઉનાળાના દિવસો હવે ગરમીને લઈને સતત આકરા બની રહ્યા છે. આવી પરિસ્થિતિમાં ગરમી પશુ-પક્ષી, પ્રાણી અને માનવ જાતને અકળાવી રહી છે. ત્યારે ગરમીના આ દિવસો દરમિયાન ખાસ કરીને ઉનાળુ અને સૌરાષ્ટ્રના ફળ પાક તરીકે ગણાતા કેરી, ચીકુ અને જાંબુના પાકને પિયત કરીને ખેડૂતો આકરી ગરમીથી બાગાયતી પાકને બચાવી શકે છે.
આકરી ગરમીમાં પિયતનું રાખો ધ્યાન: ઉનાળાના આકરા દિવસો હવે ધીમે ધીમે આગળ વધતા જોવા મળશે. ગરમીના આ સમય દરમિયાન પશુ-પક્ષી પ્રાણી અને માનવ જાત પર વિપરીત અસરો થતી જોવા મળશે. જે રીતે સૂર્યના એકદમ પ્રખર કિરણો કોઈ પણને પરસેવે રેબઝેબ કરી મૂકે છે. બિલકુલ તેવી જ રીતે ગરમીના આકરા દિવસો કૃષિજન્ય પાકોને પણ આટલું જ નુકસાન કરતા હોય છે. ઉનાળા દરમિયાન ખેડૂતો મગફળી, બાજરી અને કઠોળ વર્ગનું વાવેતર કરતા હોય છે.
હવામાન વિભાગનું આગોતરુ આયોજન: સૌરાષ્ટ્રમાં ઉનાળાના દિવસો દરમિયાન વિશેષ પ્રમાણમાં ફળ પાક એટલે કે કેરી, ચીકુ અને જાંબુનું વાવેતર પુષ્કળ પ્રમાણમાં થતું હોય છે. ઉનાળાના ખાસ ફળ પાક તરીકે ગણાતા આ ત્રણેય મુખ્ય પાકોમાં ગરમીના ખૂબ આકરા દિવસો દરમિયાન ખેડૂતોએ પીયતનો સમય અને તેનું પ્રમાણ નક્કી કરીને આકરી ગરમીથી ફળ પાકની સાથે અન્ય ઉનાળુ પાકોને બચાવી શકાય છે. જે માટેનું આગોતરુ આયોજન કરવાની સલાહ એગ્રીકલ્ચર યુનિવર્સીટીના હવામાન વિભાગે કરી છે. ત્યારે ખેડૂતો સવારે અને સાંજે ઉનાળું પાકોને પિયત આપીને બચાવી શકે છે.

સવારે અને સાંજે પિયતની ભલામણ: જુનાગઢ એગ્રીકલ્ચર યુનિવર્સિટીના હવામાન વિભાગના સહ સંશોધક પ્રો. ધીમંત વઘાસીયાએ ઉનાળાની ગરમીના દિવસો દરમિયાન ખાસ કરીને ઉનાળુ પાકો જેવા કે, કેરી, જાંબુ, ચીકુ અને ધાન્ય પાક તરીકે બાજરી અને તેલીબિયાં પાક તરીકે ઉનાળુ મગફળીની સાથે કેટલાક કઠોળ વર્ગના પાકો પણ લેવામાં આવે છે. જો ખૂબ જ આકરી ગરમીના દિવસોમાં બપોરના સમયે અથવા તો 12 થી 5:00 વાગ્યાના સમયમાં કોઈપણ ઉનાળુ પાકને પિયત આપવામાં આવે તો તે ફાયદા કરતાં નુકસાનકારક વધારે સાબિત થાય છે.

ખેડૂતોને ઉપયોગી સલાહ: ડો. ધીમંત વઘાસીયાએ જણાવ્યું કે, તમામ ખેડૂતોનેે સલાહ છે કે, પોતાના ઉનાળુ પાકોને ઓછી ગરમી લાગે અને સમયસર પિયત થઈ શકે, તે માટે વહેલી સવારે અને સાંજના પાંચ વાગ્યા બાદ ઉનાળુ પાકોને પિયત આપવાની ભલામણ કરી છે. આમ કરવાથી કોઈ પણ ઉનાળુ પાક ગરમી સામે ટકી રહેશે. ગરમીથી થતા નુકસાનમાં સવારે અને સાંજે આપવામાં આવેલા પિયતથી કૃષિ પાકોને ફાયદો થાય છે. જેથી જે ખેડૂતો ઉનાળુ ખેતી સાથે સંકળાયેલા છે. તેમને તેમના કૃષિ પાકોને સવારે અને સાંજના સમયે પિયત આપવાની ભલામણ કરવામાં આવી છે.
આ પણ વાંચો: