36 લાખના પેકેજવાળી નોકરી છોડીને IIT પાસ યુવક ડાંગના અંતરિયાળ ગામના વિદ્યાર્થીઓને ભણાવે છે
અભ્યાસ કરેલા વિદ્યાર્થીઓ ડોક્ટર એન્જિનિયર બન્યા છે. સારી પદવીઓ અહીંના ગ્રામ્ય વિસ્તારના બાળકોએ મેળવી છે.

Published : October 9, 2025 at 5:25 PM IST
|Updated : October 10, 2025 at 9:48 AM IST
તાપી : આદિવાસી બહુલતા ધરાવતા ડાંગ જિલ્લાના અંતરિયાળ ગામોમાં પ્રયોસા પ્રતિષ્ઠાન સંસ્થા દ્વારા આદિવાસી વિસ્તારના બાળકોને શિક્ષણ માટે ઉત્તમ પ્લેટફોર્મ આપીને ઉચ્ચ શિક્ષણ મેળવવા માટેની સેવાકીય પ્રવૃત્તિ કરવામાં આવી રહી છે. અહીંથી અભ્યાસ કરેલા વિદ્યાર્થીઓએ ડોક્ટર એન્જિનિયર બન્યા છે. સારી પદવીઓ અહીંના ગ્રામ્ય વિસ્તારના બાળકોએ મેળવી છે, જે આદિવાસી વિસ્તારના એક સિદ્ધિ કહી શકાય. આ જ સંસ્થાનો IIT પાસ આઉટ થયેલો યુવક વાર્ષિક 36 લાખના પગારની નોકરી છોડીને હવે સ્થાનિક લોકોને શિક્ષિત કરવાનું કામ કરી રહ્યો છે.
પ્રયોસા પ્રતિષ્ઠાન સંસ્થા બાળકોને નિશુલ્ક અને સારું શિક્ષણ
સંપૂર્ણ આદિવાસી બહુલતા ધરાવતો ડાંગ જિલ્લોએ કુદરતને ખોળે વસેલો જિલ્લો છે. અહીંનું કુદરતી સૌંદર્ય માણવા લાયક છે. અહીંના ગ્રામ્ય વિસ્તારના બાળકોએ પણ અલગ અલગ ક્ષેત્રમાં અનેક સિદ્ધિઓ પણ પ્રાપ્ત કરી છે. ડાંગ જિલ્લાના વડા મથક આહવાથી 18 km ડુંગરાળ વિસ્તારમાં પ્રયોસા પ્રતિષ્ઠાન સંસ્થા દ્વારા અહીંના ગ્રામ્ય વિસ્તારના બાળકોને નિશુલ્ક અને સારું શિક્ષણ સહિત ઉચ્ચ શિક્ષણ માટે એક ઉત્તમ પ્લેટફોર્મ બાળકોને મળી રહે તે માટે આ સંસ્થા અહીં વર્ષોથી સેવાકીય પ્રવૃત્તિઓ કરી રહી છે. આ સંસ્થા દ્વારા ગરીબ બાળકોને 9 થી 12 તેમજ ઉચ્ચ અભ્યાસ માટે જરૂરી માર્ગદર્શન સહિતની સેવાકીય પ્રવૃત્તિઓ આ સંસ્થા દ્વારા કરવામાં આવી રહી છે.
અંતરિયાળ વિસ્તારના બાળકો વિદેશ ભણવા પહોંચ્યા
ડાંગ જિલ્લાના અંતરિયાળ વિસ્તારના અવિરાજ ચૌધરીએ આ સંસ્થામાં ધોરણ 9 થી 12નું શિક્ષણ મેળવીને વધુ ઉચ્ચ અભ્યાસ માટે જરૂરી માર્ગદર્શન મેળવીને દિલ્હી ખાતેની IIT સંસ્થામાં ટેક્સટાઇલ એન્જિનિયરની પદવી હાંસલ કરી હતી, અને આ ડાંગના આદિવાસી યુવકને એક ખાનગી કંપનીમાં વાર્ષિક 36 લાખનું પેકેજની ઓફર પણ કરવામાં આવી હતી, પરંતુ આ યુવકે વાર્ષિક 36 લાખનું પેકેજ છોડીને પોતાના ગામ પરત આવીને અહીં અભ્યાસ કરતા સ્થાનિક બાળકોને શિક્ષણ આપી રહ્યો છે.

અવિરાજનું કહેવું છે કે, જે રીતે મેં પણ અહીં અભ્યાસ કરીને ઉચ્ચ ડિગ્રી પ્રાપ્ત કરી છે, તેમ મારા સિવાય પણ મારા વિસ્તારના બાળકો પણ મારી જેમ ઉચ્ચ પદવી પ્રાપ્ત કરે તે માટે અહીંના સ્થાનિક બાળકોને અભ્યાસ કરાવીને એક સેવાકીય પ્રવૃત્તિ કરી રહ્યો છે, તે ખરેખર બિરદાવા લાયક છે. કારણ કે જે કોઈવાર ડાંગ જિલ્લો છોડી બહાર પણ ના ગયો હતો, તે સીધો વિમાનમાં બેસીને દિલ્હી ગયો અને આજે અવિરાજ પણ ઇચ્છે છે કે મારી જેમ અન્ય બાળકો પણ આગળ વધી ઉચ્ચ પદવી પર પહોંચી આદિવાસી વિસ્તારનું નામ રોશન કરે.

પ્રયોશા પ્રતિષ્ઠાન સંસ્થા છેલ્લા 25 વર્ષથી ડાંગ જિલ્લામાં કાર્યરત છે અને સેવાકીય પ્રવૃત્તિ કરી રહી છે. આ સંસ્થા ગ્રામ્ય વિસ્તારના જરૂરિયાત મંદ બાળકોને નિશુલ્ક અભ્યાસ કરાવે છે. ઉચ્ચ શિક્ષણ માટે પણ જરૂરી માર્ગદર્શન સહિતનું પ્લેટફોર્મ પૂરું પાડવામાં આવે છે. જેને પગલે આજે આદિવાસી વિસ્તારના જે બાળકો હોશિયાર હોય એવા બાળકોને હાયર એજ્યુકેશન માટેની વ્યવસ્થા આ સંસ્થા દ્વારા કરી આપવામાં આવે છે.

પ્રયોશા પ્રતિષ્ઠાન સંસ્થામાં અભ્યાસ કરી 15 MBBS ડોક્ટર, 182 ઇજનેર, 36 શિક્ષકો ઉપરાંત 42 વિદ્યાર્થીઓ નર્સિંગ કોલેજનો અભ્યાસ પૂર્ણ કર્યો છે. ત્રણ જેટલા ડોક્ટરોની ડિગ્રી વિદેશમાં મેળવી પરત ફર્યા છે, ત્યારે પ્રાયોશ પ્રતિષ્ઠાન સંસ્થા દ્વારા આદિવાસી વિસ્તારના અંતરિયાળ ગામોમાં શિક્ષણ ક્ષેત્રેની કામગીરી ખરેખર બિરદાવા લાયક છે.

આ પણ વાંચો...

