ભરુચ: તુલસીધામ વિસ્તારમાં આવેલ એક મેદાનમાં અનેક બાળકો રમી રહ્યા હતા ત્યારે અચાનક ત્રણ આખલાઓ એકબીજાને પાછલાં પાડતાં બાખડી પડ્યા હતા. આખલાઓની આ ઉગ્ર હરકતના કારણે મેદાનમાં અફરા-તફરી મચી ગઈ હતી. નાના બાળકો ભયભીત થઈ ગયા હતા અને સમયસૂચકતા દાખવી જલદીથી મેદાન છોડીને દૂર દોડ્યા હતા, જેને લીધે એક મોટી દુર્ઘટના ઘટતાં ટળી હતી.
આ ઘટનામાં મેદાન નજીક પાર્ક કરેલી બે કારોને ગંભીર નુકસાન પહોંચ્યું છે. આખલાઓ એકબીજાને ધક્કા મારતા અને અથડાતા ગાડીઓ સાથે જોરદાર અથડામણ થઈ હતી, જેને પગલે લોકો દોડતી હાલતમાં ઘરોમાંથી બહાર નીકળી આવ્યા હતા. મેદાન અને આજુબાજુના વિસ્તારોમાં લોકોએ આ ઘટાનાં વિડિયાઓ પણ રેકોર્ડ કર્યા છે, જે હાલમાં સોશિયલ મિડીયામાં વાયરલ થઈ રહ્યા છે.
તુલસીધામ વિસ્તારના રહેવાસીઓમાં આ ઘટનાને લઈને ભારે રોષની લાગણી છે. સ્થાનિકોએ જણાવ્યું કે આ પહેલો બનાવ નથી. અગાઉ પણ આવી ઘટનાઓ બની ચૂકી છે જેમાં લોકો ઈજાગ્રસ્ત થયા છે અને વાહનોને નુકસાન થયું છે. તંત્રને ઘણા વખતથી રજૂઆતો કરવામાં આવી છે, છતાં હજુ સુધી કોઈ અસરકારક પગલાં લેવામાં આવેલા નથી.
રહેવાસીઓએ તાત્કાલિક ધોરણે કાર્યવાહી કરવાની માંગ કરી છે. તેમનું કહેવું છે કે શહેરમાં રખડતા ઢોરોને પકડવાની અને તેમને નિયંત્રિત સ્થાને રાખવાની સુનિયોજિત વ્યવસ્થા હોવી જોઈએ. બાળકો, વૃદ્ધો અને અન્ય નાગરિકોના જીવ સાથે ચેડા ન થાય એ માટે રખડતા ઢોર સામે કડક પગલાં લેવાનું હવે અનિવાર્ય બની ગયું છે.
ભરૂચ તુલસીધામ સહિત સમગ્ર ઝાડેશ્વર વિસ્તારમાં સુરક્ષિત અને શાંતિપૂર્ણ વાતાવરણ જળવાય એ માટે તંત્રએ ત્વરિત પગલાં લઈ લોકોને નિડરતા અને સુરક્ષાનું વાતાવરણ પૂરું પાડવું જોઈએ.
આ પણ વાંચો: