કચ્છ: કચ્છના રાપર એસ.ટી ડેપો દ્વારા રાપર-ધોળાવીરા-રોડ ટુ હેવન-ખાવડા-ભુજ રૂટ પર નવી એસ.ટી બસ શરૂ કરવામાં આવી છે. વૈશ્વિક ધરોહર ધોળાવીરા અને વિશ્વ પ્રસિદ્ધ રોડ ટુ હેવન પર થઈ ખાવડા થઈ ભુજ જતી એસ.ટી બસ શરૂ કરવામાં આવી છે. તો રાપરથી ધોળાવીરા-ભુજની બસનું ભાડું રૂ.141 રાખવામાં આવ્યું છે. પ્રવાસીઓ માટે રોડ ટુ હેવન રોડ પર 10 મિનિટ માટે સ્ટોપ આપવામાં આવતા પ્રવાસીઓ પણ રોડ ટુ હેવન નિહાળી શકશે.
રાપર એસટી વિભાગ દ્વારા નવી એસટી બસ શરૂ કરવામાં આવી
આજથી રાપર એસટી ડેપો દ્વારા વિશ્વ પ્રસિધ્ધ વર્લ્ડ હેરિટેજ સાઇટ ધરાવતા 5000 વર્ષ જૂના હડપ્પન સંસ્કૃતિના નગર ધોળાવીરા અને વિશ્વ પ્રસિદ્ધ રોડ ટુ હેવન રોડ પરથી ખાવડાથી ભુજ જતી એસ.ટી બસ શરૂ કરવામાં આવી છે. આ અંગે રાપર ડેપો મેનેજર જયદિપ બી.જોશીએ જણાવ્યું હતું કે, જિલ્લા એસ.ટી વિભાગીય નિયામક યોગેશ પટેલ પાસે રાપર વિધાનસભાના ધારાસભ્ય વિરેન્દ્ર સિંહ જાડેજા દ્વારા આ રુટ માટે એસ.ટી બસ શરૂ કરવા માટે માંગ કરવામાં આવી હતી. જે મુજબ આજથી આ રૂટ પર એક નવી બસ શરૂ કરવામાં આવી છે.

માત્ર 141 રૂપિયામાં થઈ શકશે મુસાફરી
આ બસ દરરોજ બપોરે 1 વાગ્યે રાપરથી ઉપડશે અને સાંજે 7 વાગ્યે ભુજ પહોંચશે અને ભુજથી સવારે 6 વાગ્યે ઉપડશે અને 12 વાગ્યે રાપર ખાતે પહોંચશે. બંને સમયે બસ વાયા બાલાસર, ધોળાવીરા, રોડ ટુ હેવન રોડ થઈ ખાવડા થઈ ભુજથી રાપર જશે. આ રુટ પર બસ શરૂ કરવામાં આવતાં બંને રુટનો લાભ પ્રવાસીઓ અને ખાવડા-ખદીરના લોકોને મળી રહેશે. રાપરથી ધોળાવીરા- ભુજનુ ભાડું રૂ. 141 રાખવામાં આવ્યું છે.

પ્રવાસીઓને 10 મિનિટનો સ્ટોપ આપવામાં આવશે
રાપર - ધોળાવીરા, રોડ હેવન ટુ રોડ, ખાવડા, ભુજ એસ.ટીનો પ્રથમ રુટ શરૂ કરવામાં આવ્યો છે. તો બંને બાજુ સફેદ રણને ચીરીને વચ્ચેથી પસાર થતા રોડ ટુ હેવન રોડ પર આ બસને 10 મિનિટ માટે સ્ટોપ આપવામાં આવતા બસમાં મુસાફરી કરતા પ્રવાસીઓને નિહાળવા માટે પણ સમય મળી રહેશે. આ બસ સેવાનો બહોળી માત્રામાં લાભ લેવા માટે મુસાફરોને અનુરોધ કરવામાં આવ્યો છે.
આ પણ વાંચો: