સુરત: સાધના આ શબ્દ સાંભળતા જ આપણે કોઈ સંત મહાત્મા કે પછી હિમાલય પર ધ્યાનમાં બેઠેલા સાધુ કે પછી સાધ્વીનું ચિત્ર મનમાં વિચારતા હોઈએ છીએ. પરંતુ સાધના એ માત્ર સંન્યાસ કે સાધુ સંતો સુધી સીમિત નથી. વ્યક્તિ પોતાના મનને એકાગ્ર કરી કોઈ પણ શુભ અને સારું કાર્ય કરે તેને પણ સાધન જ કહી શકાય ને? જી હા, આવી જ એક સાધના સુરતના શોભનાબેન કરી રહ્યા છે.
વિવિધ ભાષાઓમાં નવકાર મંત્ર: સુરત શહેરના પાલ વિસ્તારમાં રહેતા 63 વર્ષીય શોભનાબેન જયેશભાઇ શાહ નવકાર મંત્રની અનોખી સાધના કરી રહ્યા છે. તેમણે માત્ર બે વર્ષના સમયગાળામાં 51,000થી વધુ નવકાર મંત્રનું લેખન કર્યું છે. શોભનાબેને માત્ર લેખન સુધી સીમિત ન રહેતા વિવિધ ભાષાઓમાં નવકાર મંત્રનું લેખન કર્યું છે. જેમાં બ્રાહ્મી લિપિ, ગુજરાતી, અંગ્રેજી, સંસ્કૃત અને હિન્દી ભાષાનો સમાવેશ થાય છે.
નવીનતામાં હજી નવું: ચાલો, લેખન કર્યું... અલગ અલગ અને વિવિધ લીપીમાં લેખન કર્યું... હવે શું? અહીં રોમાંચક બાબત એ છે કે, શોભનાબેને જૈન શાસ્ત્રોમાં મહત્વપૂર્ણ એવી 50થી વધુ કૃતિઓમાં પણ આ નવકાર મંત્રનું આલેખન કર્યું છે. આ કૃતિઓમાં નવપદ, અષ્ટમંગલ, જૈન સમાજનો શાસન ધ્વજ, કળશ, કમળ, 14 રાજલોકની પ્રતિકૃતિ, અષ્ટ પ્રાતિહાર્ય, શ્રી લક્ષ્મીજી સરસ્વતીજી અને ઓમ મંત્રનો સમાવેશ થાય છે.

સાધનાની શરૂઆત ક્યાંથી થઈ? શોભનાબેનના જણાવ્યા અનુસાર તેમણે આચાર્ય યશોવિજયજી સુરીશ્વરજી મહારાજની પ્રેરણાથી આ કાર્ય શરૂ થયું હતું. આચાર્ય ઓમકાર સૂરીશ્વરજી મહારાજના જન્મ શતાબ્દી વર્ષ નિમિત્તે 1 કરોડ 8 લાખ નવકાર મહામંત્ર આલેખન પુસ્તિકાનું આયોજન કરવામાં આવ્યું હતું. તમને જણાવી દઈએ કે, શોભનાબેને બે વર્ષમાં 37 પુસ્તકોમાં આ મંત્રનું લેખન કર્યું છે.

'મન એકદમ શાંત રહે છે': શોભનાબેને પોતાના નવકાર મંત્રની સાધના અંગે જણાવ્યું કે, 'સવારે બ્રહ્મ મુહૂર્તમાં 3 થી 7 અને જ્યારે પણ સમય મળે ત્યારે નવકાર મંત્ર લખું છું. આ નવકાર માટે લખ્યા બાદ હું આર્ત ધ્યાનથી ધર્મ ધ્યાનમાં આવી છું અને નેગેટિવિટીમાંથી પોઝિટિવિટીમાં આવી ગઈ છું. હવે મારું મન એકદમ શાંત રહે છે. નવકાર મંત્ર લખવાથી એકાગ્રતા વધે છે, નવકાર મંત્ર લખવાથી ચોક્કસ ફાયદો થાય છે. કેમ કે, નવકાર મંત્ર એ 14 પૂર્વના સ્તાર છે, છેલ્લે 14 પૂર્વી પણ નવકાર મંત્ર જ ગણે છે મોક્ષ માટે હોય છે.'
આ પણ વાંચો: