અમદાવાદ: રાજ્યમાં યોજાયેલી સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું પરિણામ જાહેર થયું છે, આ સ્થાનિક ચૂંટણીના પરિણામો પર ગુજરાત કોંગ્રસના પ્રદેશ પ્રમુખ અને સાંસદ શક્તિસિંહ ગોહિલએ પ્રતિક્રિયા આપી છે.
સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પરિણામ અંગે શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, 2018માં જ્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણી યોજાઈ હતી, ત્યારે કોંગ્રેસ પાસે 78 ધારાસભ્ય હતા અને વાતાવરણ પણ સારું હતું. પરંતુ આજે જ્યારે અમારી પાસે માત્ર 12 ધારાસભ્ય છે, ત્યારે પરિણામો જોતા નિરાશા થતી નથી. 2018ની સરખામણીમાં આ વખતે કોંગ્રેસની બેઠકોમાં વધારો થયો છે, જે પોઝિટિવ સંકેત છે.
શક્તિસિંહ ગોહિલે જણાવ્યું કે, વર્ષ 2018માં જૂનાગઢ મહાનગરપાલિકામાં કોંગ્રેસનો માત્ર એક જ કોર્પોરેટર હતો, જ્યારે આ વખતે 11 કોર્પોરેટરની જીત થઈ છે. જૂનાગઢવાસીઓએ જે પ્રેમ આપ્યો છે, તે માટે તેમણે મતદારોનો આભાર પણ વ્યક્ત કર્યો હતો.
શક્તિસિંહ ગોહિલે AIMIM પાર્ટી અંગે નિવેદન આપતા જણાવ્યું કે, "ઓવૈસીની પાર્ટીના ઉમેદવારોના ફોર્મ ભાજપે આપ્યા હતા. સામાન્ય સંજોગોમાં આમને-સામને જોવા મળતી આમ આદમી પાર્ટી પણ ભાજપ સાથે હતી. AIMIM ઉમેદવારોના ફોર્મ રજૂ થયા ન હતા, તો પણ ચૂંટણી લડવા દીધી. જેનાથી ભાજપે સાબિત કર્યું છે કે AIMIM ભાજપની B ટીમ છે. કોંગ્રેસની ખામીઓ માટે પ્રદેશ પ્રમુખ તરીકે મારી જવાબદારી સ્વીકારું છું, કોંગ્રેસ કાર્યકરોએ બુથ પેજ સુધી જવાની મહેનત કરવાની છે. કોંગ્રેસના કાર્યકર્તાઓ અનેક મોરચે લડ્યા છે. હવે 2027 માટેની તૈયારી સાથે આગામી વર્ષે અને સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે અત્યારથી તૈયારી કરીશું.
શક્તિસિંહ ગોહિલે ચૂંટણી પ્રક્રિયા પર સવાલ ઉઠાવતા કહ્યું હતું કે, લોકશાહીમાં માન્ય નથી તેવા કાવાદાવા થયા છે, અમારા ઉમેદવારે સ્ટિંગ ઓપરેશન કર્યું હતું, જેમાં ફોર્મ પરત ખેંચવા માટે 7.50 લાખથી 3.50 લાખમાં સેટલમેન્ટ કરવામાં આવ્યું હતું. શક્તિસિંહ ગોહિલ આ ઘટનાઓ અંગે વધુ વિગત આપ્યા વિના તપાસની માંગણી કરી હતી. આમ તેમણે ચૂંટણીના પરિણામો અંગે મિશ્ર પ્રતિસાદ આપ્યો હતો. એક તરફ બેઠકો વધવાના કારણે તેમણે સંતોષ વ્યક્ત કર્યો હતો, તો બીજી તરફ ચૂંટણીમાં ગેરરીતિ થઈ હોવાનો આક્ષેપ પણ કર્યો હતો.