વલસાડ: વલસાડ જિલ્લા ફોરેસ્ટ વિભાગ દ્વારા આંતરરાષ્ટ્રીય જૈવિક વિવિધતા દિવસની ઉજવણીના ભાગ રૂપે આજે ચણવાઈમાં સેન્ટર ઓફ એક્સિલન્સી ફોર ફ્લોરી કલ્ચર એન્ડ મેંગો ફાર્મમાં બીજ મેળો 2025નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 250 જેટલી વનસ્પતિઓના બીજ આજે બીજ મેળામાં નિર્દેશન અને જાણકારી માટે મૂકવામાં આવ્યા હતા. જેમાં ધરમપુર અને કપરાડા ક્ષેત્રમાં કુલ 26 એવી ઔષધીય ગુણો ધરાવતા બીજો મૂકવામાં આવ્યા હતા જે વિલુપ્ત થઈ ચૂક્યા છે. જેને બચાવવા અને સંવર્ધન માટે જંગલ વિભાગ કમર કસી રહ્યું છે. આજે મોટી સંખ્યામાં જંગલ વિભાગના કર્મચારીઓ, ખેડૂતો અને બાળકો પણ ઉપસ્થિત રહ્યા હતા.
સ્થાનિક કક્ષાએ વિલુપ્ત થતી જતી વનસ્પતિના બીજ મેળા રજૂ કરાયા
ધરમપુર અને કપરાડામાં વર્ષોથી વન આચ્છાદિત અનેક વનસ્પતિઓ બિરાજમાન છે. પરંતુ છેલ્લા કેટલાક સમયથી લાકડા ચોરોના ત્રાસને કારણે તેમજ એમ કેન પ્રકારે આવી દુર્લભ અને ઔષધીઓ ગુણો ધરાવતી અનેક વનસ્પતિઓ લુપ્ત થવાને આરે પહોંચી ગઈ છે. સ્થાનિક કક્ષાએ જાણકાર વૃદ્ધો પાસેથી વિગતો મેળવી તેમજ જંગલ ખાતાના અધિકારીઓ સાથે મળી આવી વિલુપ્ત થતી વનસ્પતિઓના સંવર્ધન અને ફરીથી પુનર્જીવન કરવા માટે તેના બીજો એકત્ર કરવાની કામગીરી શરૂ થઈ હતી અને બીજ મેળામાં સ્થાનિક કક્ષાએ વિલુપ્ત થયેલા 26 જેટલા ઔષધીય ગુણો ધરાવતી વનસ્પતિના બીજો પણ રજૂ કરવામાં આવ્યા હતા. જેમાં સમગ્ર વલસાડ જિલ્લામાં પીળો ખાખરો નામની વનસ્પતિના માત્ર ચાર જ જગ્યા ઉપર ઝાડ હોવાનું જાણવા મળી રહ્યું છે.

જંગલમાંથી સ્થાનિક કક્ષાએ વિલુપ્ત થનારી વનસ્પતિઓ કઈ કઈ
- કરવળ (દિલેનિયા પેન્ટાગ્યાંના રોબોક્સ)
- પીળો શીમળો (બૉમ્બક્સ સેઇબા એલ)
- દેવ સાવર (બોમ્બેકસ ઇન્સિગને વોલ)
- બીડી દેવ સાવર(બોમ્બેક્સ ઇન્સિગને વોલ)
- બોથી (ઇરોલેના કેન્ડોલીયા વોલ)
- વારિંગ (કડિયા સેલેસિના રોબોક્સ)
- ડવલો (સ્ટરસુલિયા ગુટાતા રોબોક્સ)
- ઉડાલો (સ્ટેર સોલિયા વિલોસા રોબોક્સ)
- રોહણ( સોઇમુડા ફેબ્રિફૂગા રોબોક્સ. એ જસ)
- ભીલામો (સેમે કર્પસ એના કાર્ડિયમ એલ.એફ.)
- મોટી ચમોલી(બાવહિનીયા ફ્લોરેલતા ડેલઝેલા)
- નાની ચામોલી(બાવાહેનિયા માલબેરિકા રોબોક્સ)
- પીળો ખાખરો(બુટિયા મોનોસપ્રેમા (લામ).વાર. લૂંટીએ (વીટ).મહેશ્વરી
- ભવર છાલ (હાઈ મેનોદીકતોયન ઓરીક્સેન્સ)
- મોખો (સ્ક્રેબ્રા શ્વેતેનીઓયડેક્સ રોબોક્સ)
- લાંબી કુંડી(બ્રિગટિયા ડોલીચોકર્પા બહાદુર એન્ડ બેનેટ)
- બુરાઈ કુંડી(બ્રિક્ટિયા ટોમેનટોઝા રોમ)
- મેઢશિંગ (ડોલી ચેન્દ્રોન ફલકતા)
- ખડશિંગ (રેડેરમાં ચેરા સ્કાયલો કાર્પા (રોબોક્સ))
- શ્રીફળ પાપડો (સ્ટેરોસ પારમન સુવેલોન)
- ચાંદીવો( મેકારંગા પેલાટાટા)
જંગલ વિભાગ દ્વારા વિલુપ્ત થતી જાતોના છોડ તૈયાર કરાય છે
કપરાડા અને ધરમપુર વિસ્તારમાં વિલુપ્ત થતી ઔષધીય વનસ્પતિઓને જાળવી રાખવા અને સંવર્ધન માટે વિલુપ્ત થતી દુર્લભ પ્રજાતિઓની વનસ્પતિના બીજો મેળવીને તેનું કલેક્શન કરી ચોમાસું શરૂ થતાની સાથે જ આવા બીજોમાંથી ફરીથી વનસ્પતિ બનાવવા માટે તેના ફુલછોડ અને નાના છોડ તૈયાર કરવામાં આવી રહ્યા છે. જેથી કરીને ભવિષ્યની પેઢી માટે આ વિલુપ્ત થતી વનસ્પતિઓને ટકાવી શકાય અને તેનું જાળવણી અને સંવર્ધન કરી શકાય તે માટે આજની પેઢી આવી બિલુપ્ત થતી જાતિઓને ઓળખે તે માટે બીજ પ્રદર્શનમાં આવી દુર્લભ વનસ્પતિઓના બીજનું પ્રદર્શન યોજાયું હતું અને તેની જાણકારી પણ આવનારા તમામ લોકોને આપવામાં આવી હતી. જેથી કરીને જો આવા બીજ તેમને પણ ક્યાંક જડી જાય તો તે પણ બીજને સાચવી શકે અને તેમાંથી ફરીથી આવા ઝાડોના સંવર્ધન કરી ઉત્પત્તિ કરી શકાય.

આંતરરાષ્ટ્રીય જૈવ વિવિધતા દિવસની ઉજવણી અંતર્ગત થઈ બીજ પ્રદર્શન
વલસાડ જિલ્લાના DFO એસ. સૂચિદ્રાના જણાવ્યા અનુસાર ઔષધીય ગુણો અને વનસ્પતિઓમાં વિવિધ જૈવિકતા જોવા મળે છે અને આ જૈવિકતાને જ લોકો સમક્ષ મૂકવા માટે બીજ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. 22 તારીખના રોજ આંતરરાષ્ટ્રીય જૈવિક વિવિધતા દિવસની ઉજવણી સમગ્ર દેશમાં કરવામાં આવી હતી. જે અંતર્ગત વલસાડ જિલ્લા જંગલ વિભાગ દ્વારા પણ આંતરરાષ્ટ્રીય જૈવિક વિવિધતા દિવસની ઉજવણીના ભાગરૂપે વલસાડના જાણવાઈ ખાતે આવેલા ફ્લોરિંગ કલ્ચર ફાર્મમાં બીજ મેળો 2025નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અઢીસો કરતાં પણ વધુ વનસ્પતિઓના બીજ પ્રદર્શનમાં મુકવામાં આવ્યા હતા.
વલસાડ જિલ્લામાં મળી આવતા સ્થાનિક વૃક્ષોના બીજ પણ રજૂ કરાયા
વલસાડ જિલ્લામાં ધરમપુર કપરાડા પારડી ઉમરગામ સહિત અનેક વિસ્તારમાંથી સ્થાનિક કક્ષાએ મળી આવતા વૃક્ષોના બીજો પણ આ બીજ મેળામાં પ્રદર્શિત કરવામાં આવ્યા હતા. ઊંભ, વાયવર્ણો, કિરમબીરા, માંજો, ઘાઈ ગુગર, શીમળો, કવિસા, ધામની, કાહડોળ, બીલી, કાકડ, નીંબરો, ઘટબોર, જંગલી બોર, કુસુમ,જંગલી સરગવો, ખેર, કાંટી, બાવળ, ગોરડિયો, કાળો શિરીષ, કિનાઈ, ખાખરો, ગરમાળો, પાંગારો, કરંજ, સમડી, બીઓ, અગથિયો, બહેડા, આલી, ગેગડા જેવા 80થી વધુ વૃક્ષોના બીજ આજે પ્રદર્શનમાં રજૂ કરવામાં આવ્યા હતા.

16 પ્રકારની માત્ર ચણોઠીના બીજ રજૂ કરાયા
નાનપણમાં જ્યાં એક માત્ર લાલ ચણોઠી જોઈ મન પ્રફુલ્લિત થઈ જતું હોય ત્યાં વળી આજે આયોજિત બીજ મેળા માં કુલ 16 પ્રકારની અવનવી રંગ ધરાવતી ચણોઠી રજૂ કરવામાં આવી હતી. જેમ સહેજ રીતે મળતી લાલ, સફેદ ચણોઠી તો ખરી જ સાથે ગુલાબી, લીલા રંગની, તેમજ આછી ગુલાબી, કાળી મરુંન ચણોઠી, હનુમાન ચણોઠી, પીળી ચણોઠી, હસ્તી ચણોઠી, આખી લાલ ચણોઠી સહિત 16 જેટલા પ્રકારની ચણોઠી આજે બીજ મેળામાં રજૂ કરવામાં આવી હતી.

આમ વલસાડ ડાંગ જંગલ વિભાગ દ્વારા વિલુપ્ત થાતા વૃક્ષોના સંવર્ધન માટે સૌ પ્રથમવાર વલસાડમાં બીજ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વૃક્ષો જે નામશેષ થવાને આરે છે એવા વૃક્ષોના બીજ એકત્ર કરી તેના જાળવણી અને સંવર્ધન કરવા વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ પણ વાંચો: