સુરત : સાયણ ગામે રખડતા ઢોર પૈકી એક હડકાયું કૂતરું એક ગાયને કરડતા તેને હડકવાની અસર થઈ હતી. બાદમાં ગાય ગાંડી થતા બે દિવસથી સાયણ ગામના જુદા જુદા વિસ્તારમાં જઈને ગ્રામજનોને અડફટે લઈ રહી હતી. કેટલાક લોકોને ઈજા થઈ હોવાથી આ બાબતની જાણ ગૌરક્ષકોને કરતા શનિવારે ગૌરક્ષકોએ ભેગા મળી મહા મહેનતે ગાયને પકડી સારવાર માટે મોકલતા ગ્રામજનોએ હાશકારો લીધો હતો.
ગાયે ગામ માથે લીધું : રખડતા ઢોર ગ્રામજનો માટે જોખમ રૂપ બન્યા હોવાની ઘટના સાયણ ગામે નોંધાઈ છે. સાયણ વિસ્તારમાં રખડતા ઢોર સાથેની એક ગાયને હડકાયેલું કૂતરું કરડવાથી ગાયને પણ હડકવાની અસર થઈ હતી. ત્યારે ગાંડી થયેલી ગાય છેલ્લા બે દિવસથી સાયણ વિસ્તારમાં ફરીને ગ્રામજનોને અડફેટે લઈ રહી હતી. કેટલાક કિસ્સામાં લોકોને નાની મોટી ઈજાઓ પણ પહોંચી હતી.
15 થી વધુ લોકોને અડફેટે લીધા : ગાયને હડકવાની અસર વધુ થતા સવારે સાયણ ગામ મુખ્ય માર્ગ બજાર વિસ્તારમાં આવતા જતા લોકો પૈકી એક મહિલા સાથે સાયણ પોલીસ ચોકી નજીક બે વ્યક્તિને અડફેટે લીધા હતા. જેમાં લોકોને ગંભીર ઈજાઓ પહોંચાતા બજાર વિસ્તારના લોકો ભયભીત થયા હતા. આ સાથે ગાંડી થયેલી ગાય વધુ લોકોને નિશાન બનાવે તે પહેલા પકડી પાડવા માટે ગૌરક્ષકોને આ બાબતની જાણ કરી હતી.
મહામહેનતે પકડાઈ ગાય : ગૌરક્ષકોએ ભેગા મળી સવારથી ગાયને પકડી પાડવાની કામગીરી હાથ ધરી હતી. હડકાયાના અસરથી વિફરેલી ગાયને કલાકોની મહેનત બાદ માંડ પકડવામાં સફળતા મળ્યા બાદ, નંદી મહારાજ જીવદયા ટ્રસ્ટ સુરતની એનિમલ એમ્બ્યુલન્સ મંગાવી સારવાર માટે મોકલી આપી હતી. જ્યારે ગૌરક્ષક રામ પેથાણીના કહેવા મુજબ ગાંડી થયેલી ગાયે સાયણ ગામના જુદા જુદા વિસ્તારના 15 થી વધુ લોકોને અડફેટે લીધા હતી.