રાજકોટ : પ્રતિબંધિત ચાઈનીઝ લસણની આવક મામલે રાજકોટ સહિત સમગ્ર દેશના માર્કેટિંગ યાર્ડમાં લસણના વેપારીઓ દ્વારા મંગળવારના રોજ એક દિવસ માટે લસણના વેપારથી અળગા રહેવાની જાહેરાત કરવામાં આવી હતી. ત્યારે રાજકોટ સહિત સૌરાષ્ટ્રના તમામ માર્કેટિંગ યાર્ડમાં લસણની હરાજી સહિતની પ્રક્રિયાથી વેપારીઓ દૂર રહ્યા હોવાનું સામે આવ્યું છે.
ચાઇનીઝ લસણ : તાજેતરમાં જ ગોંડલ માર્કેટ યાર્ડમાં ઉપલેટાના અલ્તાબ નામના ખેડૂત દ્વારા લસણના 30 કટ્ટાની આવક કરવામાં આવ્યા બાદ તે લસણ ચાઈનીઝ હોવા બાબતે રોષ ભભૂક્યો હતો. જેના કારણે તે લસણનો જથ્થો ગોંડલ સીટી બી ડિવિઝન પોલીસ દ્વારા સીઝ કરવામાં આવ્યો છે. ત્યારે સમગ્ર મામલે હાલ જાણવાજોગ ફરિયાદ નોંધ કરવામાં આવી છે. તેમજ સમગ્ર મામલે લસણને પરીક્ષણ અર્થે લેબમાં પણ મોકલવામાં આવ્યું છે. તો સાથો સાથ જે ખેડૂત દ્વારા લસણ ગોંડલ માર્કેટ યાર્ડમાં લાવવામાં આવ્યું હતું તેની પણ પૂછપરછ સહિતની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.
લસણનું વાવેતર : સામાન્ય રીતે લસણનું વાવેતર માત્રને માત્ર શિયાળામાં જ કરવામાં આવતું હોય છે. તેમજ લસણ રાજસ્થાન, મધ્ય પ્રદેશ, હિમાચલ પ્રદેશ સહિતના રાજ્યમાં સારા પ્રમાણમાં થતું હોવાનું પણ સામે આવે છે. જેના કારણે સૌરાષ્ટ્રમાં પણ રાજસ્થાન, મધ્ય પ્રદેશ, હિમાચલ પ્રદેશ સહિતના રાજ્યોમાંથી લસણ વેચાવવા આવે છે.
લસણની ખેતી નુકસાનકારક ? છેલ્લા બે વર્ષથી લસણના રેકોર્ડ બ્રેક સારા ભાવ મળવાના કારણે ધીરે ધીરે ખેડૂતો હવે લસણની ખેતી તરફ પાછા ફરી રહ્યા છે. અગાઉ ખેડૂતોનું લસણ 150 રૂપિયા પ્રતિ કિલો પણ વહેંચાતું હતું. જેના કારણે ખેડૂતોને પારાવાર નુકસાન વહોરવાનો પણ વારો આવતો હતો. અગાઉ ખેડૂતોને પોષણક્ષમ ભાવ ન મળતા તેઓના દ્વારા લસણના વાવેતર પર બ્રેક લગાવવામાં આવી હતી. તેની અસર હાલ પણ જોવા મળી રહી છે.
રાજકોટ APMC માં લસણના ભાવ : હાલ માર્કેટિંગ યાર્ડમાં જે પ્રમાણમાં લસણની માંગ જોવા મળી રહી છે, તે પ્રમાણમાં ઉત્પાદન ઓછું આવતા ખેડૂતોને લસણના સારા એવા ભાવો પણ મળી રહ્યા છે. હાલ રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં 20 કિલો લસણના 4500 થી લઈ 6500 સુધીના ભાવ મળી રહ્યા છે. હવે લસણના સારા ભાવ મળી રહ્યા છે તેમજ દિવસેને દિવસે માંગ પણ વધી રહી છે.